અમદાવાદ સાયબર ક્રાઈમના પીઆઈ, એએસઆઇ તથા હેકો વિરૂધ્ધ એસીબી દ્વારા રૂા.10 લાખની લાંચ લેવા અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, અમદાવાદ શહેર સાયબર ક્રાઈમમાં ફરિયાદી વિરૂધ્ધ ક્રિકેટ સટ્ટાબેટીંગનો ગુનો નોંધાયો હતો. જે કેસમાં ચાર્જશીટ ઝડપથી કરી આપવા પીઆઈ બી.એમ. પટેલ, તથા હેકો અમથાભાઈ પટેલને ફરિયાદીને રૂબરૂ મળ્યા હતાં અને તે સમયે પીઆઇ એ ચાર્જસીટ ઝડપથી કરી આપવા લાંચની માંગણી કરી હતી અને રકઝક બાદ રૂા.10 લાખ આપવાનું નકકી કર્યુ હતું. જે લાંચની રકમ હેકો અમથા પટેલને આપવા જણાવાયું હતું. ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોય, એસીબીનો સંપર્ક કરતા અમદાવાદ એસીબીના મદદનીશ નિયામક કે.બી. ચુડાસમાના સુપરવીઝન હેઠળ એલસીબી પીઆઈ એન.એન. જાદવ સહિતના અધિકારીઓ દ્વારા છટકુ ગોઠવી અમદાવાદ સિંધુ ભવન હોલની બાજુમાં હેકો અમથા પટેલ એ હેતુલક્ષી વાતચીત કરી એએસઆઈ ગૌરાંગકુમાર ગામેતીની હાજરીમાં લાંચની રકમ લેતા રંગેહાથ ઝડપી લઇ બંને શખ્સોને ઝડપી લીધા હતા અને અન્ય આરોપી પીઆઈને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી હતી.