જામનગર શહેરના હીરાપાર્ક વિસ્તારમાં રહેતાં વિપ્ર યુવાનના પુત્ર અને તેની સાથે ભણતા અન્ય વિદ્યાર્થીની સાથે ધકકામુકીમાં તરૂણને ઈજા પહોંચી હતી જેનો ખાર રાખી બે શખ્સોએ યુવાનને બેટ વડે માર મારી ફડાકા ઝીંકી ધમકી આપી હતી.
મારામારીના બનાવની વિગત મુજબ, જામનગર શહેમાં વિશાલ હોટલ સામે આવેલા હિરાપાર્ક સોસાયટીમાં રહેતાં અરવિંદભાઈ ભવાનભાઈ ભટ્ટ નામના યુવાનનો પુત્ર વ્રજ જામનગરના વસઈ ગામમાં આવેલી જે પી મોદી સ્કૂલમાં અભ્યાસ કરતો હતો અને તેની સાથે અભ્યાસ કરતા મિલાપ નામનો વિદ્યાર્થી બંને ગત તા.27 એપ્રિલના રોજ સ્કૂલના મેદાનમાં અન્ય વિદ્યાર્થીઓ સાથે ફુટબોલ રમતા હતાં તે દરમિયાન ધકામુકીમાં મિલાપ પડી જતા હાથમાં ઈજા પહોંચી હતી. પુત્રને ઈજા પહોંચ્યાનો ખાર રાખી મિલાપના પિતા રવિ ફલિયા અને અજાણ્યા સહિતના બે શખ્સોેએ વ્રજના પિતા અરવિંદભાઈને શુક્રવારે બપોરના સમયે આંતરીને ક્રિકેટના લાકડાના બેટ વડે તથા ફડાકા મારી ઈજા પહોંચાડી હતી. તેમજ પતાવી દેવાની ધમકી પણ આપી હતી. હુમલાના બનાવમાં ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવ અંગેની જાણ થતા એએસઆઈ એફ.જી. દલ તથા સ્ટાફે ભોગ બનનાર અરવિંદભાઈના નિવેદનના આધારે બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.