ધ્રોલ તાલુકાના મોટી વાગુદડ ગામની સીમમાં આવેલા ખેતરમાં દવાના છંટકાવ બાદ તમાકુ ખાવાથી દવાની વિપરીત અસર થતા શ્રમિક યુવાનનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું.
આ બનાવ અંગેની વિગત મુજબ, મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના વતની અને હાલ ધ્રોલ તાલુકાના મોટી વાગુદડ ગામની સીમમાં આવેલી ચંદ્રેશભાઈના ખેતરમાં મજૂરી કામ કરતો સતરસીંગ કિશનભાઈ ડાવર (ઉ.વ.25) નામનો શ્રમિક યુવાન ગત તા.23 ના રોજ તેના ખેતરમાં વાવેલા જીરાના પાકમાં ઝેરી દવાનો છંટકાવ કરતો હતો અને તે દરમિયાન યુવાને દવાવાળા હાથે તમાકુ બનાવીને ખાધી હતી. જેથી દવાની વિપરીત અસર થતા તબિયત લથડતા સારવાર માટે ધ્રોલની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના ભાઈ કાળુ દ્વારા જાણ કરાતા હેકો કે ડી કામરીયા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.