જામનગર નજીક ઢીચડા ગામે એક જ પરિવારના છ શખ્સો દ્વારા એક પરિવારના ઘરમાં ઘુસી ખોડ અને મકાઈ વગેરેનો જથ્થો સળગાવી દેવા તથા પરિવારને ગામ છોડી જવા માટે ધાકધમકી આપી હોવાની પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઈ છે. આ અંગે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

આ અંગેની વિગત મુજબ જામનગર નજીક ઢીચડા ગામમાં રહેતા હુશેનભાઈ કાસમભાઇ ખફી દ્વારા નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ છે કે તેમના મકાનના તબેલામાં તાળા તોડી પ્રવેશ કરી લઈ અંદર રાખેલો ખોડ તેમજ મકાઈનો જથ્થો સળગાવી નાખી નુકસાની પહોંચાડવા અંગે તેમજ પોતાના સમગ્ર પરિવારને ગામ છોડીને ચાલ્યા જવા અંગે ધાક ધમકી આપવા અંગે ઢીચડાના અલ્તાફ ઈસ્માઈલ કોટાઈ, શબીર ઉર્ફે સકર જુમા કોટાઈ, કાસમ મુસા કોટાઈ, બસી અલુ કોટાઇ, આરીફ ઈસ્માઇલ કોટાઈ, રફિક ઉમર કોટાઇ સામે ફરિયાદ નોંધાવાઈ છે. ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદીના ભત્રીજા એ ગત તા. 17-6-2024 ના રોજ આરોપીના ભાઈ સાથે થાર જીપ અથડાવી હતી. જેમાં તેનું મૃત્યુ થયું હતું. જે બાબતનું મનદુ:ખ રાખી આરોપીઓએ તબેલામાં આગ ચાંપી દીધી હતી અને પરિવારને ગામ છોડી ચાલ્યા જવાનું કહ્યું હતું.
ફરિયાદી હુશેનભાઈ દ્વારા છ શખ્સો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા બેડી મરીન પોલીસે ગુનો નોંધી આ અંગે વધુ તપાસ ચલાવી હતી.