કાલાવડ તાલુકાના નપાણીયા ખીજડિયામાં તલાટી કમ મંત્રીનો ચાર્જ સંભાળેલા કર્મચારીને સરપંચના પતિએ ઉંચા અવાજે અપશબ્દો બોલી ફડાકા મારી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, કાલવડ તાલુકાના ધુનધોરાજી ગામમાં રહેતાં અને હાલ નપાણીયા ખીજડિયા ગામના તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા મિલનભાઈ નારણભાઈ વશરા નામના કર્મચારી શુક્રવારે બપોરના સમયે નવા વરાયેલા તલાટી કમ મંત્રીને ચાર્જની સોંપણી કરતાં હતાં તે સમયે ગામના સરપંચના પતિ હરેશ ભલારા નામના શખ્સે આવીને મારા કામનું બીલ રોકવા બાબતે મિલનભાઇને ધમકીભરી અવાજે કહેતાં તલાટી કમ મંત્રી દ્વારા શાંતિથી સમજાવવા જતા હરેશ ભલારાએ ઉશ્કેરાઈને તલાટી કમ મંત્રી મિલનભાઈની ફરજમાં રૂકાવટ કરી જેમ ફાવે તેમ અપશબ્દો બોલી ફડાકા ઝીંકયા હતાં અને પતાવી દેવાની ધમકી પણ આપી હતી. તલાટી કમ મંત્રીની ફરજમાં રૂકાવટ અને ફડાકા ઝીંકી ધમકીના બનાવ અંગે પીએસઆઈ એચ.વી. પટેલ તથા સ્ટાફે શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.