ધ્રોલ તાલુકાના મોટા વાગુદડ ગામની સીમમાં આવેલા ખેતરમાં રસોઇ બનાવતા સમયે શ્રમિક યુવાનને અચાનક ઉલ્ટી થતા બેશુદ્ધ થઈ જવાથી જામનગરની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જામનગર નજીક લાલપુર બાયપાસ પાસેના વિસ્તારમાં રહેતાં પ્રૌઢને શ્ર્વાસની તકલીફ થતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
મળતી વિગત મુજબ, ધ્રોલ તાલુકાના મોટા વાગુદડ ગામની સીમમાં આવેલી નિરૂભા જાડેજાના ખેતરમાં મજૂરી કામ કરતા મધ્યપ્રદેશના વતની સુરેશભાઈ બીરજીભાઈ ઉર્ફે વિજયસિંહ બામણિયા (ઉ.વ.38) નામનો યુવાન રવિવારે રાત્રિના સમયે ખેતરમાં શાક બનાવતો હતો તે દરમિયાન અચાનક ઉલટી થવાથી બેશુધ્ધ થઈ જતાં સારવાર માટે ધ્રોલની ખાનગી અને ત્યારબાદ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની હાલત નાજુક જણાતા જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડાતા સોમવારે સવારના સમયે મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકની પત્ની ધુનકીબેન દ્વારા જાણ કરાતા એએસઆઈ વી.ડી.રાવલિયા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી આરંભી હતી.
બીજો બનાવ, જામનગર નજીક લાલપુર બાયપાસ પાસે આવેલા જિલ્લા પંચાયત કર્મચારીનગરમાં રહેતાં અનિરૂધ્ધસિંહ ખેંગારજી જાડેજા (ઉ.વ.56) નામના પ્રૌઢને સવા વર્ષથી કેન્સરની બીમારી થઈ હતી. દરમિયાન ગત તા.17 ના બપોરના સમયે તેના ઘરે શ્ર્વાસની તકલીફ થવાથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં પ્રૌઢનું સોમવારે બપોરના સમયે સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે બ્રિજરાજસિંહ દ્વારા જાણ કરાતા હેકો એસ.એસ. જાડેજા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.