જામનગર તાલુકાના ધુતારપર ગામના વાડી વિસ્તારમાં રહેતા અને ખેતમજૂરી કરતી મહિલાએ તેણીના જ ત્રણ માસુમ સંતાનોને કુવામાં ફેંકી હત્યા નિપજાવ્યા બાદ પોતે પણ કુવામાં ઝંપલાવી આપઘાત કર્યાના બનાવમાં મૃતકના પિતાએ તેણીના પતિ વિરૂધ્ધ શારીરિક-માનસિક ત્રાસ આપી મરી જવા મજબુર કર્યાની ફરિયાદ નોંધાવી હતી.
બનાવની વિગત મુજબ, મધ્યપ્રદેશના ધાર જિલ્લાના પીપરીયા પાની ગામના વતની સેરુભાઇ રડુભાઈ માવડા નામના ખેતમજૂર પ્રૌઢે પંચકોશી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ પ્રૌઢની પુત્રી ધનુબેન ઉર્ફે સંગીતાબેન નામની યુવતીને તેણીના કમલેશ જ્ઞાનસીંગ મીનાવા સાથેના લગ્નજીવન દરમિયાન તેણીના પતિએ અવાર-નવાર શારીરિક-માનસિક ત્રાસ આપી મરી જવા મજબુર કરતા ધનુબેને રવિવારે સવારના સમયે ધનુબેને તેણીના મમતાબેન (ઉ.વ.6), અંજલીબેન (ઉ.વ.3) અને પુત્ર સોહન (ઉ.વ.9 માસ) નામના ત્રણ બાળકોને કુવામાં ફેંકી દઇ હત્યા નિપજાવી હતી અને ત્યારબાદ ધનુબેને પણ કુવામાં ઝંપલાવી આપઘાત કર્યાના બનાવથી જામનગર તાલુકાના ધુતારપર ગામમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. આ ઘટનમાાં પોલીસે ચારેય મૃતદેહનો કબ્જો સંભાળી તપાસ હાથ ધરી હતી. દરમિયાન મૃતકના પિતા એ તેના જમાઈ કમલેશ વિરૂધ્ધ તેની પત્નિ ધનુબેનને મરી જવા મજબુર કર્યાની ફરિયાદ નોંધાવી છે જેના આધારે પીએસઆઈ એ.કે. પટેલ તથા સ્ટાફે કમલેશ વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.