જામનગર શહેરના શાંતિનગર સર્વેશ્વર મહાદેવ મંદિરની સામેથી શેરીમાં બાઈક આપવાની ના પાડતા કુખ્યાત શખ્સે લખણ ઝળકાવી વિદ્યાર્થીને ગાળો કાઢી છરીના ઘા ઝીંકી પતાવી દેવાની ધમકી આપી હતી.
હુમલાના બનાવની વિગત મુજબ, જામનગર શહેરના મોમાઈનગર શેરી નં.4 માં રહેતો અને અભ્યાસ કરતો પૃથ્વીરાજસિંહ યોગેન્દ્રસિંહ ગોહિલ (ઉ.વ.20) નામનો વિદ્યાર્થી તથા કુલદિપસિંહ જાડેજા સાથે શુક્રવારે બપોરના સમયે શાંતિનગર વિસ્તારમાંથી બાઈક પર જતા હતાં તે દરમિયાન સામેથી આવી રહેલા બાઈકસવાર દિવ્યરાજસિંહ ઉર્ફે દિવલા ડોને બાઈક આડે રાખી વિદ્યાર્થીને ‘તારું બાઈક મને આપ મારે કામ છે’ જેથી વિદ્યાર્થીએ બાઈક આપવાની ના પાડતા દિવ્યરાજસિંહે ઉશ્કેરાઇને ગાળો કાઢી છરીનો ઘા ઝીંકયો હતો. તેમજ વચ્ચે પડેલા પુષ્પરાજસિંહ ભગીરથસિંહ જાડેજાને પણ છરીનો છરકો મારી ઇજા પહોંચાડી હતી તેમજ વિદ્યાર્થીને પતાવી દેવાની ધમકી આપી હતી. હુમલાના બનાવમાં બે યુવકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવની જાણના આધારે પીએસઆઇ ડી.જી. રાજ તથા સ્ટાફે વિદ્યાર્થીના નિવેદનના આધારે દિવલા ડોન વિરુધ્ધ વધુ એક ગુનો નોંધી તપાસ આરંભી હતી.