જામનગર શહેરમાં રાત્રીના બંધ મકાનમાંથી થયેલી ચોરીનો ભેદ એલસીબીએ ઉકેલી નાખીને એમ.પી.થી એક શખ્સને ઝડપી લઇને રોકડ અને મોબાઇલ ફોન કબજે કર્યો છે. જેમાં પાંચ શખ્સોના નામ ખુલતા પોલીસે તેની શોધખોળ આરંભી છે.
આ અંગેની વિગત મુજબ જામનગર શહેરના સીટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી થોડા સમય પહેલા બંધ મકાનમાંથી રોકડ રૂપિયા અને દાગીનાની ચોરી થઇ હતી. જે અંગેની એલસીબીએ ટેકનિકલ સેલની મદદ મેળવી એનાલીસીસ કરતા એમપીના એક શખ્સનું નામ સામે આવતાં એલસીબી પીઆઇ વી.એમ. લગારીયાની સૂચનાથી પીએસઅઇ આર.કે. કરમટ્ટા, પો.કો. ધનાભાઈ મોરી, વનરાજ મકવાણા, ક્રિપાલસિંહ જાડેજા, અરજણ કોડીયાતર, ધર્મેન્દ્રસિંહ જાડેજા, કિશોર પરમાર, બિજલ બારસરા સહિતના સ્ટાફ સાથે એમ.પી. સુધી તપાસ લંબાવી હતી અને એમપીના ટાંડા જિલ્લાના કુકસી તાલુકાના જાઇ ગામના લાલુસિંગ ઇન્દરસિંગ પુલસિંગ મંડલોઇને ઝડપી લઇને જામનગર લાવ્યા હતાં. તેના કબ્જામાંથી રોકડ રૂા. 3200 તથા રૂા. 5000ની કિંમતનો મોબાઇલ ફોન મળીને રૂા. 8200નો મુદામાલ કબ્જે કર્યો હતો. તેની પૂછપરછ કરતાં અનિલ ગુમાનભાઇ મકવાણા, રાજુ સુમાલસિંગ પંચાલ, દિપક સુમાલસિંગ પંચાલ, પ્રભુ અને એક અજાણ્યા શખ્સનું નામ ખુલતા પોલીસે તેને ફરાર જાહેર કર્યો છે. પકડાયેલા શખ્સને સીટી-સી ડિવિઝન પોલીસને સોંપી દીધો છે.