જામનગર શહેરના રામેશ્વરનગર વિસ્તારમાં રહેતાં રીક્ષાચાલક ઉપર તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા નિપજાવ્યાના પ્રકરણમાં પોલીસે ત્રણ હત્યારાઓની ધરપકડ કરી અન્ય એક હત્યારાની શોધખોળ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરના રામેશ્વરનગર વિસ્તારમાં એકલા રહેતા પ્રતાપભાઈ બાબભાઈ મકવાણા (ઉ.વ.30) નામના રીક્ષાચાલક યુવાન ઉપર અજાણ્યા તસ્કરોએ તિક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી બેશુદ્ધ હાલતમાં પડેલા યુવાનને 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે જી. જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં યુવાનનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ બનાવ અંગે મૃતકના ભાઈ ભીખાભાઈ મકવાણા દ્વારા અજાણ્યા શખ્સો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેના આધારે પીઆઈ એચ.પી. ઝાલા તથા સ્ટાફે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન મૃતકની પત્ની પ્રજ્ઞાબેન છેલ્લાં ત્રણ માસથી તેના પતિ પ્રતાપભાઈથી અલગ ભાડે મકાનમાં રહેતાં હતાં અને પ્રતાપ છકડો રીક્ષામાં ગેસના બાટલાની હોમ ડીલેવરીનું કામ કરતો હતો.
દરમિયાન પોલીસે મૃતદેહને પીએમ માટે મોકલી તપાસ હાથ ધરતાં હત્યાના બનાવમાં જુદા જુદા સીસીટીવી કેમેરાઓ અને બાતમીદારોના આધારે મૃતકની પત્નીને અનૈતિક સંબંધો હોવાનું ખૂલ્યુ હતું. જેથી પોલીસે તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતાં. જેમાં નવાગામ ઘેડમાં રહેતાં અને જમીન – મકાન લે-વેંચ કરતા મહમદ સુલેમાન સફીયા નામના શખ્સ દ્વારા હત્યાનું ષડયંત્ર કરાયું હોવાનું ધ્યાનમાં આવ્યું હતું અને મહમદને મૃતકની પત્ની સાથે અનૈતિક સંબંધો હોવાનું પ્રાથમિક તપાસમાં ખૂલ્યુ હતું. જેના આધારે પોલીસે ગોકુલનગરમાં રહેતા મોઈન ઉમર સફીયા અને રામદેવસિંહ ભીખુભા સોઢા તથા અમિત સીતાપરા નામના ત્રણ શખ્સોની મદદથી પ્રતાપની હત્યા નિપજાવી હોવાનું ખુલ્યું હતું. જેના આધારે પોલીસે મુખ્ય સુત્રધાર મહમદ સફિયા, મોઈન સફિયા અને રામદેવસિંહ સોઢા નામના ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી અને અમિત સીતાપરા નામના શખ્સની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.