જામનગર જિલ્લાના સીંગચ ગામના વાડી વિસ્તારમાં રહેતી પરિણીતાના તેણીના સાસરિયાઓ દ્વારા અવાર-નવાર મેણાટોણા મારી શારીરિક માનસિક ત્રાસ આપી મરી જવા મજબુર કરતા યુવતીએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કર્યા બાદ મૃતકનું પોસ્ટમોર્ટમ નહીં કરાવી મૃતદેહની અંતિમક્રિયા કરી નાખ્યાની મૃતકના ભાઈની ફરિયાદના આધારે પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર જિલ્લાના સીંગચ ગામના વાડી વિસ્તારમાં રહેતી આશાબેન નામની યુવતીના લગ્નજીવન દરમિયાન તેણીના પતિ કિશોર મોહન નકુમ, મોહન જાદા નકુમ, મોતીબેન મોહન નકુમ, નિલેશ મોહન નકુમ, ચેતનાબેન નિલેશ નકુમ નામના સાસરિયાઓએ અવાર-નવાર ઘરકામ બાબતે મેણાટોણા મારી કરીયાવર મામલે પરેશાન કરી શારીરિક માનસિક ત્રાસ આપી મરી જવા મજબુર કરી હતી. જેથી આશાબેને તેણીના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આત્મહત્યા કર્યાના બનાવમાં સાસરીયાઓ દ્વારા મૃતકની લાશનું પોસ્ટમોર્ટમ કરાવ્યા વગર મૃતદેહની અંતિમ ક્રિયા કરી નાખી હતી. આ અંગે મૃતક આશાબેનના ભાઈ વિપુલ કેશવજી કટેશિયા દ્વારા મૃતકના સાસરીયાઓ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીઆઈ પી. ટી. જયસ્વાલ તથા સ્ટાફે પાંચ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી અટકાયત કરવા કાર્યવહી હાથ ધરી હતી.