કારગિલ વિજય દિવસની રજત જયંતિ આ વર્ષે ઉજવાઇ રહી છે. ભારતના વિર સેનાનીઓએ કારગિલ યુધ્ધ વખતે પ્રાણોની આહુતિ આપીને જે રીતે ભારતને ઐતિહાસિક વિજય અપાવ્યો હતો. તે ક્ષણોના પ્રત્યક્ષ સાથી બનેલા બે સેનાનીઓને 8 ગુજરાત નેવલ યુનિટ એનસીસી તથા સત્યસાંઇ વિદ્યાલય દ્વારા ગઇકાલે તા. 25ના રોજ આમંત્રિત કરવામાં આવ્યા હતાં.
બાલાચવડી સૈનિક સ્કૂલના પ્રવર્તમાન આચાર્ય કર્નલ શ્રેયસ મહેતા (કારગિલ વોર વેટરન) અને સેવા નિવૃત્ત નાયબ સુબેદાર દિનેશ કટારીયા દ્વારા નેવી તથા આર્મીના કેડેટ્સને કારગિલ યુધ્ધની વિરતાભરી ક્ષણોની ઝાંખી કરાવવામાં આવી હતી.
કર્નલ શ્રેયસ મહેતા તા. 14 જૂન 1999માં ઇન્ડિયન મિલિટરી એકેડમીમાંથી આર્મી એડયૂકેશન કોર્પમાં કમિશન પ્રાપ્ત કર્યા બાદ તુરત જ ચાર જાટ રેજિમેન્ટમાં લેફનન્ટ તરીકે નિયુક્તિ પામી કારગિલમાં ઓપરેશન વિજયમાં ભાગ લીધો હતો. કાકસરમાં તેમની રેજિમેન્ટ દ્વારા બજરંગ પોસ્ટ રિકેપ્ચર કરવામાં આવી હતી.
નાયબ સુબેદાર દિનેશ કટારિયા (સેવા નિવૃત્ત) કારગિલ યુધ્ધ સમયે સિક્કિમમાં પાયોનિયર યુનિટમાં ફરજ પર હતાં. તેમના યુનિટને તાત્કાલિક અસરથી રાતો-રાત જમ્મુ-કાશ્મિર જવાનો આદેશ મળેલો. કારગિલ યુધ્ધમાં જમ્મુ-કાશ્મિરની મોસ્કો વેલીમાં મહાર રેજિમેન્ટ સાથે જોડાઇ તેમની યુનિટે વિરતાનું પ્રદર્શન કર્યું હતું.
આ બંને જાંબાઝોએ ઓપરેશન વિજયની સંવેદનશિલ અને અતિશય કપરીની પરિસ્થિતિને વર્ણવી, એનસીસી કેડે્ટસને સંરક્ષણ સેવાઓમાં જોડાવા માટે પ્રેરિત કર્યા હતાં. 8 ગુજરાત નેવલ યુનિટ એનસીસી દ્વારા આ બંને વિર સેનાનીઓને મોમેન્ટો અને શાલથી સન્માનિત કરવામાં આવ્યા હતાં. સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા કારગિલ વિજય દિવસ નિમિત્તે એનસીસી કેડેટસ માટે યોજાયેલી પોસ્ટર મેકીંગ સ્પર્ધામાં વિજેતાઓને પારિતોષિક આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં.
અત્રે ઉલ્લેખનિય છે કે, સત્યસાંઇ વિદ્યાલયના ચેરમેન, માનદ્ વિંગ કમાંડર મહારાજા જામસાહેબ શત્રૂશલ્યસિંહજી દિગ્વિજયસિંહજી જાડેજાના ભારતીય સેના પ્રત્યેનાં અતૂલ્ય પ્રેમ અને લગાવને કારણે તેમની દૂરંદેશી, માર્ગદર્શન અને સહકારથી સત્યસાઇ વિદ્યાલયમાં આર્મી તથા નેવીના કેડેટસ નેતૃત્વ, સેવા-સમર્પણ, એકતા-અનુશાસનના ગુણો જીવનમાં ઉજાગર કરી રહ્યા છે.