ગુજરાતમાં કુલ 31.44 ઈંચ સાથે હવે મોસમનો સરેરાશ 95 ટકા વરસાદ નોંધાઇ ચૂક્યો છે. હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. બુધવારથી રાજ્યમાં વરસાદની કોઇ સંભાવના નથી. હવામાન વિભાગના મતે સોમવારે અમદાવાદ-અમરેલી-પંચમહાલ-દાહોદમાં 30થી 40 કિલોમીટરની ગતિએ પવન ફૂંકાવવા સાથે જ્યારે મંગળવારે તાપી-ડાંગ-નર્મદા-નવસારી-વલસાડ-દાદરા નગર હવેલીમાં 30 થી 40 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવા સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. અમદાવાદમાં મંગળવારથી ગરમી-ઉકળાટ વધશે અને મહત્તમ તાપમાન 38 ડિગ્રીથી વધે તેવી સંભાવના છે.
રાજ્યમાં હવે વરસાદનું જોર ઘટી ગયું છે. ગુલાબ અને શાહિન વાવઝોડાનો ખતરો ગુજરાતના માથેથી દૂર થઈ જતાં હવે વરસાદની સંભાવનાઓ ઓછી થઈ ગઈ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 36 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં ઉમરપાડા, અંકલેશ્વર, કરજણ, ઝાલોદ, હાંસોટ અને દાહોદમાં 25 મિ.મીથી વધારે વરસાદ નોંધાયો છે. રાજ્યમાં ચાલુ સિઝનમાં સૌરાષ્ટ્રમાં 113 અને કચ્છમાં સીઝનનો 111 ટકા જેટલો વરસાદ પડી ચૂક્યો છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં 93 ટકા અને પૂર્વ-મધ્ય ગુજરાતમાં 83 ટકા વરસાદ પડ્યો છે. ઉત્તર ગુજરાતમાં હજુ પણ વરસાદની 29 ટકા જેટલી ઘટ છે. અહીં 71 ટકા વરસાદ આ સીઝન દરમિયાન પડ્યો છે.
બસ હવે ચોમાસાની વિદાય, બરાબર તપશે ભાદરવો
વરસાદની સંભાવનાઓ ઓછી : બે દિવસ ફૂંકાઇ શકે છે પવન