જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય શાખાની યાદી જણાવેલ છે કે, હાલ ચોમાસુ નજીકમાં છે ત્યારે મચ્છરની ઉત્પતિમાં વધારો થવાની શકયતા રહે છે. આજરીતે મચ્છરજન્ય રોગો જેવા કે, મેલેરિયા, ડેન્ગ્યૂ અને ચીકનગુનિયાના કેસો પણ વધવાની શકયતા રહે છે. મચ્છરજન્ય રોગો મચ્છર કરડવાથી થાય છે. આ મચ્છર આપણા ઘરોમાં સંગ્રહિત કરેલ ચોખ્ખા અને સ્થિર પાણીમાં ઉત્પન્ન થાય છે. પાણીમાં જોવા મળતા પોરા (લાર્વા)એ મચ્છર બચ્ચા છે. જો પાણીના પાત્રોમાં મચ્છરના પોર જોવા મળે તો ત્વરીત તેનો નાશ કરવો. મચ્છરોની ઉત્પતિની અટકાયત અંગે શહેરીજનો દ્વારા નીચે દર્શાવ્યા મુજબની થોડીક તકેદારી રાખવામાં આવે તો મચ્છરજન્ય રોગોથી બચી શકાય છે.
પાણી ભરેલા તમામ વાસણો હવાચુસ્ત ઢાંકણથી ઢાંકી રાખવા, પાણીની ટાંકીઓ, ફૂલદાનીઓ, પક્ષીકુંજ, કુલર ફ્રીજની ટ્રે વગેરે અઠવાડીયામાં બે વખત અચુક સાફ કરો, પાણીના નાના ખાડા-ખાબોચીયાના પાણી વહેવડાવી દો કે માટીથી પુરી દો, ચોમાસામાં નકામાં ટાયરો, ખાલી વાસણો કે ધાબા પરના ડબ્બા તથા અન્ય ભંગારનો નિકાલ કરવો, મચ્છરોના કરડવાથી બચવા માટે દિવસે અને રાત્રે મચ્છરદાનીનો ઉપયોગ કરો, આખી બાયના કપડાં પહેરો અને મચ્છર ભગાડવાની કોઇલ, ક્રીમ વગેરેનો ઉપયોગ કરો, દર રવિવારે સવારે 10 કલાકે 10 મિનિટનો સમય કાઢી પાણીનાં તમામ પાત્રોની ચકાસણી કરી જો તેમાં મચ્છરના પોર જોવા મળે તો પાત્રો ખાલી કરી, સાફ કરી, સુકવીને ફરીથી ઉપયોગમાં લો આમ દર રવિવારે 10 મિનિટ ફાળવવાથી ડેન્ગ્યૂ, ચિકનગુનિયા, મેલેરીયાથી બચી શકાય છે. કોરોનાથી બચવા માસ્ક પહેરવું જરુરી છે. મેલેરીયા, ડેન્ગ્યૂ, ચિકનગુનિયાથી બચવા પાણીના પાત્રો ઢાંકીને રાખવા જરુરી છે.