સુપ્રીમકોર્ટના પૂર્વ જજ જસ્ટિસ ચેલમેશ્વરે કોલેજિયમ સામે અનેક ગંભીર આરોપો મૂક્યા હતા. તેમણે કહ્યું કે આ વ્યવસ્થા પારદર્શક રીતે કામ નથી કરતી. તેમણે અમુક ન્યાયાધીશોને પણ કામ બાબતે અયોગ્ય ગણાવ્યા છે અને કહ્યું કે આળસને લીધે અનેકવાર ચુકાદા સમયસર લખાતા નથી. આ દરમિયાન તેમણે કેન્દ્રીય કાયદામંત્રી કિરેન રિજિજુના નિવેદન સામે પણ સવાલો ઊઠાવ્યા હતા.
પૂર્વ જજ ચેલમેશ્વર કેરળ હાઈકોર્ટમાં આયોજિત એક કાર્યક્રમમાં જોડાયા હતા.અહેવાલ અનુસાર તેમણે કહ્યું કે અમુક આરોપો કોલેજિયમ સામે આવે છે પણ સામાન્ય રીતે તેને લઈને કંઈ કરવામાં આવતું નથી. જો આરોપ ગંભીર હોય તો કદાચ કાર્યવાહી કરી દેવાય છે. સામાન્ય રીતે જજોની બદલી જ કરાય છે. અમુક જજ તો એટલા આળસુ હોય છે કે ચુકાદા લખવામાં વર્ષો કાઢી નાખે છે. અમુક જજ અયોગ્ય છે.
તેમણે લોકતંત્રમાં સ્વતંત્ર ન્યાયપાલિકા પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે જરાક વિચારો તો એવું નહીં હોય તો શું થશે? વિચારો કે એક પોલીસકર્મી શું કરી શકે છે. તેનો અર્થ એ નથી કે તે ખરાબ છે પણ તેમની પાસે તાકાત છે અને તે ખુદ માટે કાયદો નક્કી કરી શકે છે. જસ્ટિસ ચેલમેશ્વર જૂન 2018માં નિવૃત્ત થઈ ગયા હતા. તેમણે કહ્યું કે આ ટિપ્પણીઓ બાદ બની શકે કે તેમને પણ ટ્રોલ કરવામાં આવી શકે છે.