Saturday, December 6, 2025
Homeરાજ્યહાલારતોડ કરવા માટે પત્રકારોએ માલધારી યુવાનનું અપહરણ કર્યું

તોડ કરવા માટે પત્રકારોએ માલધારી યુવાનનું અપહરણ કર્યું

દેશી દારૂના વેંચાણ માટે રૂા.10 હજારની માંગણી : ખંભાળિયાના પત્રકાર સહિતના ચાર શખ્સોએ ઈકો કારમાં અપહરણ કરી ફડાકા માર્યા: પ્રવાહી ભરેલી કોથળીનો વીડિયો ઉતારી ધમકાવ્યો : પોલીસ દ્વારા ચાર શખ્સો વિરૂધ્ધ કાર્યવાહી

લાલપુર તાલુકાના લેબર કોલોની વિસ્તારમાં પીપળી ગામના માલધારી યુવાનને બોલાવી કારમાં આવેલા પત્રકાર સહિતના ચાર શખ્સોએ દેશી દારૂના વેંચાણ માટે હપ્તો આપવા અપહરણ કરી લઇ જઇ ફડાકા માર્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ, લાલપુર તાલુકાના પીપળી ગામમાં આવેલા ચારણનેશ વિસ્તારમાં રહેતા અને માલધારીનો વ્યવસાય કરતા ભોળાભાઈ ઉર્ફે ભોલુ રામદેવ ગોદાણી (ઉ.વ.33) નામના યુવાનને બુધવારે બપોરના સમયે લેબર કોલોની 8 ના ગેઈટની સામે ઉભો હતો તે દરમિયાન જીજે-37-બી-9723 નંબરની ઈકો કારે આવીને તેમાંથી ખંભાળિયાના પત્રકાર પ્રવિણ કરશન પરમાર અને સોમા પેથા મહેશ્વરી, દિવ્યરાજસિંહ જાડેજા અને મુન્નો કેશુ સિંધવ નામના ચાર શખ્સોએ ભોળાને બોલાવીને ‘તું દેશી દારૂનું વેંચાણ કરશ અને કોને – કોને હપ્તા આપશ?’ તેમ કહી ધમકાવતા ભોળાએ ‘હું દેશી દારૂનું વેંચાણ કરતો નથી, અને કોઇને હપ્તા પણ આપતો નથી’ તેમ કહેતા તોડ કરવા આવેલા ચાર શખ્સોએ ભોળાને બળજબરીપૂર્વક ઈકો કારમાં બેસાડી હાથમાં સફેદ કલરની પ્લાસ્ટિકની પારદર્શક કોથળીમાં પ્રવાહી ભરેલ આપી મોબાઇલ ફોનમાં વીડિયો ઉતાર્યો હતો.

ત્યારબાદ ચારેય શખ્સોએ ભોળાને ‘તુ અમને 10 હજાર રૂપિયા આપ નહીંતર અમે પત્રકાર છીએ તને હેરાન કરશું’ તેમ કહ્યા બાદ ભોળાએ રૂપિયા આપવાની ના પાડતા પત્રકારોએ ફડાકા મારી અપશબ્દો બોલી બળજબરીપૂર્વક રૂપિયા કઢાવવા માટે ભોળાનું ઈકો કારમાં અપહરણ કરી જામનગર સુધી લઇ આવ્યા બાદ ઉતારી મૂકયો હતો. પત્રકારો દ્વારા તોડ કરવા માટે માલધારી યુવાનના અપહરણની ઘટનાની જાણ કરાતા પીએસઆઈ એમ.એન. જાડેજા તથા સ્ટાફે ભોળાના નિવેદનના આધારે પત્રકાર પ્રવિણ કરશન પરમાર અને સોમા પેથા મહેશ્વરી, દિવ્યરાજસિંહ જાડેજા, મુનો કેશુ સિંધવ નામના ચાર શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular