ઓલ્ટ ન્યૂઝના પત્રકાર મોહમ્મદ ઝૂબૈરને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત આપવામાં આવી છે. ઝૂબૈરને ઉત્તર પ્રદેશમાં દાખલ બધી જ ફરિયાદોમાં જામીન આપવામાં આવ્યા છે. સાથે જ તપાસ માટે ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા રચવામાં આવેલી એસઆઇટીનો પણ ભંગ કરી દીધો છે. ઉપરાંત સુપ્રીમ કોર્ટે આ મામલે આકરી ટકોર પણ કરી હતી અને કહ્યું હતું કે કોઇ પણ પત્રકારને તમે લખતા ન રોકી શકો.
સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડ, ન્યાયાધીશ સુર્ય કાંત અને એએસ બોપન્નાની બેંચ દ્વારા ઝૂબૈરની અરજીઓની સુનાવણી કરવામાં આવી હતી. બેંચે આકરા શબ્દોમાં કહ્યું હતું કે ધરપકડની શક્તિઓનો પણ સંયમ સાથે ઉપયોગ થવો જોઇએ. ઝૂબૈરને ટ્વીટ કરતા પણ ન રોકી શકાય તેવી સ્પષ્ટતા પણ સુપ્રીમ કોર્ટે કરી હતી. મોહમ્મદ ઝૂબૈરની સામે કુલ સાત ફરિયાદો દાખલ કરવામાં આવી છે જેમાં તેના કેટલાક ટ્વિટને આધાર બનાવીને ધાર્મિક લાગણીઓ દુભાવવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આ બધી જ ફરિયાદોમાં ઝૂબૈરને જામીન પર તાત્કાલિક છોડી મુકવાનો આદેશ સુપ્રીમ કોર્ટે કર્યો હતો.
આ સાથે જ સુપ્રીમ કોર્ટે જુદી જુદી ફરિયાદોને એક જ સ્થળે ચલાવવાની ઝૂબૈરની માગણી પણ સ્વિકારી લીધી હતી. જે પણ ફરિયાદો દાખલ થઇ છે તેને રદ કરવાની માગણી ઝૂબૈર દિલ્હી હાઇકોર્ટ સમક્ષ કરી શકે છે. ઉત્તર પ્રદેશ સરકારે સુપ્રીમ કોર્ટમાં માગણી કરી હતી કે ઝૂબૈરને ટ્વિટ કરતા રોકવામાં આવે,જેનાથી સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે તમે આવી માગણી કેવી રીતે કરી શકો? શું કોઇ વકીલને દલીલ કરતા અટકાવી શકાય? શું કોઇ વ્યક્તિને બોલતા રોકી શકાય? જે પણ વ્યક્તિ કોઇ ટ્વીટ કરતું હોય તેના માટે તે પોતે જ જવાબદાર હોય છે. કોઇને ટ્વીટ કરતા ન રોકી શકાય. પત્રકારને બોલતા-લખતા ન રોકી શકાય. મોટા ભાગની ફરિયાદોમાં એક જ સરખા આરોપો છે તેથી તેને જુદા જુદા સ્થળે ચલાવવાનો કોઇ જ મતલબ નથી.