જામનગર શહેરના પોશ વિસ્તાર એવા જોગસપાર્કમાં ચા પીવા એકટીવા પર જતાં બે મિત્રોને પૂરપાટ બેફીકરાઇથી આવી રહેલી સ્વીફટકારના ચાલકે ઠોકર મારી હડફેટે લેતા અકસ્માતમાં બંને મિત્રોને ઈજા પહોંચાડી કાર ચાલક પલાયન થઈ ગયો હતો. શહેરના પોશ વિસ્તાર એવા જોગસપાર્કમાં આવી ઘટનાઓ વારંવાર બનતી હોય છે. કેમ કે આ વિસ્તારમાં વેપારીઓ અને અગ્રણીઓ રહેતા હોય જેથી લુખ્ખા તત્વો આ વિસ્તારને સૌથી વધુ ટાર્ગેટ બનાવે છે. અગાઉ પણ આ વિસ્તારમાં બાઈક અથડાવા જેવી બાબતે સામાન્ય નાગરિકો પાસેથી પૈસા પડાવવાની ઘટનાઓ બની ગઈ છે. ઉપરાંત પ્રેમી પંખીડાઓ માટે મહત્વનું સ્થળ બની ગયું છે. પોલીસ માત્ર રોડ પર પેટ્રોલિંગ કરીને જતી રહે છે. ઉપરાંત આ વિસ્તારમાં વોકિંગ ટ્રેક ની જગ્યાએ ખાનગી વાહનોનો ખડકલો થઈ જાય છે.
મળતી વિગત મુજબ, જામનગર શહેરના સૌથી પોશ વિસ્તાર એવો જોગસપાર્ક લુખ્ખા અને ગુનેગારો માટે સ્વર્ગ સમાન બની ગયો છે. કેમ કે આ વિસ્તારમાં રહેતા વેપારીઓ અને અગ્રણીઓ શાંતિપ્રીય હોય છે જેને કારણે લુખ્ખા તત્વોએ આ વિસ્તારને અડીંગો બનાવી દીધો છે. ઉપરાંત સાંજના સમયે પ્રેમી પંખીડાઓ માટે આ શાંત અને પોશ વિસ્તાર મહત્વનું સ્થળ બની ગયું છે અને પ્રેમી પંખીડાઓ આપતિજનક સ્થિતિઓમાં પણ ઘણી વખત જોવા મળે છે. જેનાા કારણે મહિલાઓ અને લોકોને પસાર થવું શરમજનક બની જતું હોય છે. પરંતુ પ્રેમી પંખીડાઓને તો પસાર થતા લોકો સાથે કોઈ નિસ્બત હોતો નથી. તેવો તેની મોજમાં રહેતાં હોય છે. અગાઉ પણ આ વિસ્તારમાં બાઈક અથડાવી પૈસા પડાવી લેવાની ઘટનાઓ બની ગઈ છે. તેમાં પોલીસ ફરિયાદ થયા બાદ પૈસા પડાવનારા લોકો સામે કાર્યવાહી થવાથી બાઈક અથડાવી પૈસા પડાવવાની ઘટનાઓ મહદઅંશે બંધ થઈ ગઇ છે.
ત્યારે થોડા દિવસ અગાઉ જ આ વિસ્તારમાંથી કાર અથડાવી નિર્દોષ લોકોને ધમકાવી પૈસા પડાવવાનો કારસો કરવામાં આવે છે. ઉપરાંત જે લોકોનો કોઇ વાંક નથી હોતો તેવા નિર્દોષ શહેરીજનોને અકસ્માતના નામે ધમકાવી ડરાવતા હોય છે. આવી ઘટનાઓ આ પોશ વિસ્તારમાં અવાર-નવાર બનતી હોય છે. પોલીસે ખરેખર પોશ વિસ્તારમાં લુખ્ખા તત્વોનો અડ્ડાઓ તાત્કાલિક ધોરણે બંધ કરાવવા જોઇએ અને આવા વાહન અથડાવી પૈસા પડાવતા અથવા તો પ્રેમી પંખીડાઓ જાહેરમાં આપતિજનક સ્થિતિમાં ફરતા હોય છે તે બંધ કરાવવું જરૂરી બની ગયું છે. અગાઉ પોલીસ દ્વારા આ વિસ્તારમાં સતત પેટ્રોલીંગ કરવામાં આવતું હોવાથી લુખ્ખાઓ અને ગુનેગારો બંધ થઈ ગયા હતાં. પરંતુ થોડા સમયથી ફરીથી આ એકટીવીટી શરૂ થઈ ગઈ છે. તેમજ હાલમાં ગત તા.12 ડિસેમ્બરની મધ્યરાત્રિના એક અકસ્માતની ઘટનાની વિગત મુજબ, રાત્રિના સમયે પ્રદિપસિંહ જેઠવા અને તેના મિત્ર નાગરાજસિંહ જીજે-10-સીજે-6580 નંબરના એકટીવા પર ચા પીવા જતા હતાં ત્યારે જોગસપાર્કમાં સ્વીફટ માર્ટ સામે પહોંચ્યા ત્યારે પૂરઝડપે બેફીકરાઈથી આવી રહેલી જીજે-10-ડીઈ-9415 નંબરની સ્વીફટકારના ચાલકે સામેથી એકટીવાને ઠોકર મારી હડફેટે લઈ બંને યુવાનોને ઈજા પહોંચાડી નાશી ગયો હતો.
અકસ્માતમાં ગંભીર ઈજાગ્રસ્ત બંને યુવાનોને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં હતાં. ત્યારબાદ અકસ્માતની આ ઘટનામાં ઘણાં દિવસ પછી પોલીસે ઘવાયેલા યુવાનની ફરિયાદ નોંધી સ્વીફટ કાર ચાલક વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરી હતી.