જામનગર મહાનગરપાલિકા દ્વારા વેરાની વસુલાત સઘન બનાવવા માટે છેલ્લા એક પખવાડીયાથી મિલકત જપ્તીની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત ગઇકાલે શહેરમાં મિલકતવેરો નહીં ભરનાર વધુ સાત આસામીઓની મિલકત જામ્યુકો દ્વારા જપ્ત કરવામાં આવી છે તથા કુલ 135 આસામીઓ પાસેથી વેરાની બાકી વસુલાત પેટે 39.27 લાખની સ્થળ વસુલાત કરવામાં આવી છે.
મહાપાલિકા દ્વારા વેરા વસુલાત ઝુંબેશ અંતર્ગત હાથ ધરાયેલી સિલીંગની કાર્યવાહીને ગઇકાલે ગ્રેઇન માર્કેટમાં ચંદુલાલ અમૃતલાલ ડાંગર, સુતરીયા બિલ્ડીંગમાં અબ્દુલ મઝીદ હાજી અબ્દુલ, ત્રણ દરવાજા પાસે કાજલબેન વોરા, સુભાષ માર્કેટ પાસે વિનોદ પરમાણંદ લાલવાણી, ગ્રેઇન માર્કેટ ગુલાબચંદ ભારમલ, જિલ્લા સંઘના ભાડુઆત ગિરીરાજ એજન્સી તથા વાલજી કરમશીની મિલકતો સીલ કરવામાં આવી હતી. આ ઉપરાંત વસુલાત ઝુંબેશ અંતર્ગત જામ્યુકોની વસુલાત ટુકડીઓ દ્વારા કુલ 135 બાકીદારો પાસેથી રૂા. 39,27,835ની રકમની સ્થળ વસુલાત કરવામાં આવી હતી. જામ્યુકોની આ ઝુંબેશ દરમિયાન વર્ષ દરમિયાન કુલ 113 મિલકતો સીલ કરવામાં આવી છે. આ કાર્યવાહી આસિ. કમિશનર ટેકસ જિગ્નેશ નિર્મલ તેમજ ટેકસ ઓફિસર જી.જે. નંદાણીયાના માર્ગદર્શન હેઠળ રિક્વરી ટુકડીઓ દ્વારા કરવામાં આવી રહી છે.