લોકસભા ચૂંટણી જાહેર થાય અને આચારસંહિતા લાગુ થાય તે પહેલાં જામનગર મહાનગરપાલિકાની સ્થાયી સમિતિએ નિર્ધારીત સમય પહેલાં જ બેઠક યોજીને લાખોટા તળાવ ભાગ-2-3ના રૂા.39 કરોડના ડેવલોપમેન્ટ પ્રોજકેટસ સહિત કુલ 81 કરોડના જુદાં-જુદાં કામોને બહાલી આપી છે.
ચેરમેન નિલેશ કગથરાના અધ્યક્ષસ્થાને ગુરૂવારે સાંજે જામ્યુકોની સ્થાયી સમિતિની બેઠક યોજાઈ હતી. આગામી સપ્તાહમાં ચૂંટણી આચરસંહિતાને ધ્યાને રાખીને નિર્ધારિત સમય પહેલાં જ યોજાયેલી આ બેઠકમાં રણમલ તળાવ ભાગ -2 અને 3 ના ડેવલોપમેન્ટ પ્રોજેકટસ માટે 38.82 કરોડના ખર્ચને બહાલી આપવામાં આવી હતી. આ પ્રોજેકટ અંતર્ગત તળાવના ભાગ -2 અને 3 ને નેચર આધારિત વિકસાવવામાં આવશે જેમાં સાયકલીંગ ટ્રેક, સીટીંગ એરેજમેન્ટ, એમફી થીયેટર, બોટીંગ સહિતની સુવિધાઓ વિકસાવવામાં આવશે. આ ઉપરાંત રૂા.12.45 કરોડના ખર્ચે શહેરના રાજમાર્ગોની સફાઈ માટે ટ્રક માઉન્ટેડ રોડ સ્વીપર મશીન ખરીદવાને પણ મંજૂરી આપવામાં આવી છે. જામ્યુકો કુલ પાંચ મશીન ખરીદી કરશે. આ ઉપરાંત રૂા.2.58 કરોડના ખર્ચે એક સેલ્ફ પ્રોપેલ્ડ રોડ સ્વીપર મશીન પણ ખરીદી કરશે. આમ જામ્યુકો કુલ રૂા.15 કરોડના ખર્ચે 6 સ્વીપર મશીનની ખરીદી કરશે.
સ્થાયી સમિતિની બેઠકમાં ભૂગર્ભ ગટરમાંથી વરસાદી પાણીના નિકાલ માટે રૂા.35 લાખ, સીવેજ પમ્પીંગ સેન્ટરની મશીનરી માટે રૂા.105 લાખ, ભૂગર્ભ ગટરના કામો માટે રૂા.34.86 લાખ, સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં સ્વીમીંગ પુલના મેન્ટેનન્સ માટે રૂા.12.86 લાખ, ઢોરના ડબ્બાના અપગે્રડેશન માટે રૂા.115 લાખ, દાદા-દાદી ગાર્ડન તથા સ્વસ્તિક સોસાયટી ગાર્ડનમાં કમ્પાઉન્ડ વોલ બનાવવા 14.44 લાખ, વોર્ડ નં.16 મા લોકભાગીદારીથી આંતર માળખાકીય સુવિધા માટે રૂા. 2 કરોડ, વોર્ડ નં.9 માં આંતર માળખાકીય સુવિધા માટે રૂા.163 લાખ, શહેરના આઉટ ગ્રોથ એરિયામાં સીસી રોડના નિર્માણના કામો તેમજ સિવિલ શાખા હસ્તક જુદાં-જુદાં વોર્ડમાં અપગે્રડેશન તથા સ્ટ્રેન્ધનીંગ અંગેના કામોના ખર્ચ મંજૂર કરવામાં આવ્યાં હતાં. આશાપુરા હોટલથી જૂના જકાતનાકા થઈ બાયપાસને જોડતા ડી પી રોડની અમલવારી તથા જ્ઞાનશકિત સર્કલથી સીતારામ સોસાયટી થઇને બાયપાસને જોડતા 24 મીટર ડી પી રોડની અમલવારીનો સૈધ્ધાંતિક સ્વીકાર કરવામાં આવ્યો હતો. આમ સ્થાયી સમિતિની બેઠકમાં કુલ 81 કરોડના વિકાસ ખર્ચને બહાલી આપવામાં આવી હતી. આ બેઠકમાં મેયર વિનોદ ખીમસુરીયા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, કમિશનર ડી એન મોદી, સીટી એન્જીનિયર ભાવેશ જાની, ડે. કમિશનર યોગીરાજસિંહ ગોહિલ, આસી. કમિશનર જીગ્નેશ નિર્મળ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
નવા કામો ફટાફટ મંજૂર, જ્યારે સ્ટાફના ખર્ચના એજન્ડા પેન્ડીંગ!!
જામ્યુકોની સ્થાયી સમિતિની બેઠકમાં રણમલ તળાવના પ્રોજેકટ સહિત 81 કરોડના વિકાસ ખર્ચને ફટાફટ બહાલી આપવામાં આવી હતી. પરંતુ, જુદાંજુદાં બગીચાઓમાં ફરજ બજાવતા કર્મચારીઓ તેમજ લાખોટા મ્યુઝીયમમાં ફરજ બજાવતા સિકયોરીટી ગાર્ડ, કોમ્પ્યુટર ઓપરેટર સહિતના કર્મચારીઓનું ખર્ચ મંજૂર કરવામાં સ્થાયી સમિતિએ ઠાગાઠૈયા કર્યા હતાં. આ અંગે કમિશનરે કરેલી છ દરખાસ્તો પેન્ડીંગ રાખવામાં આવી હતી. તેના પર કોઇ જ નિર્ણય કરવામાં આવ્યો ન હતો. નવું ખર્ચ કરવા માટે ઉતાવળા જામ્યુકોના સત્તાધિશોએ કર્મચારીઓના ખર્ચની બાબતને લટકાવી રાખી હતી.