જામનગરના દરેક રહેવાસી પર જામનગર મહાનગરપાલિકાનું દેવુ વધ્યું 10 હજારે પહોંચી ગયું છે. છેલ્લા પાંચ વર્ષમાં દરેક જામનગરીનું માથાદીઠ દેવુ બમણુ થઇ ગયું છે. જ્યારે જામનગર મહાપાલિકાનું કુલ દેવુ વધીને 587.69 કરોડને આંબી ગયું છે. બીજીતરફ જામ્યુકોની માથાદીઠ આવકમાં પણ બમણો વધારો થયો છે. પરંતુ તોતિંગ ખર્ચને કારણે દેવામાં સતત વધારો થઇ રહ્યો છે.
જામનગર મહાપાલિકાનું વર્ષ 2021-22નું અંદાજપત્રમાં જામ્યુકોના કુલ દેવા અને માથાદીઠ દેવાના ચોંકાવનારા આંકડા રજૂ કરવામાં આવ્યા છે. જે અનુસાર જામ્યુકોનું કુલ દેવુ વધીને 587.69 કરોડને આંબી ગયું છે. જેમાં 405 કરોડ મુદલ જ્યારે તેના પર 182 કરોડ વ્યાજની રકમનો સમાવેશ થાય છે. બજેટમાં રજૂ કરાયેલા આંકડાઓ અનુસાર 2020માં જામ્યુકોનું માથાદીઠ દેવુ રૂા. 9640એ પહોંચી ગયું છે. જે 2016માં રૂા. 5802 હતું. આમ દરેક જામનગરીના માથે જામનગર મહાપાલિકાનું રૂા. 10 હજારનું દેવુ છે. શહેરમાં વસતો દરેક નાગરિક મહાપાલિકાનું રૂા. 10 હજારનું દેવુ લઇને ફરે છે.
જામનગર મહાપાલિકા દ્વારા શહેરમાં જુદી જુદી યોજનાઓ અને વિકાસકામો માટે રાજ્ય સરકાર, બેન્કસ, જુદી જુદી નાણાંકીય સંસ્થાઓ, સરકારી અર્ધસરકારી સંસ્થાઓ, કેન્દ્ર સરકાર વગેરે પાસેથી લોન મેળવે છે. બાદમાં પર્યાપ્ત આવક ન હોવાના કારણે આ લોનની રકમ અને તેના પરના વ્યાજમાં સતત વધારો થતો રહે છે.
પરિણામ સ્વરુપ કુલ દેવુ વધીને 587 કરોડ થઇ ગયું છે. આશ્ર્ચર્યની વાત તો એ છે કે, વર્ષો પહેલાં જામ્યુકોએ રાજ્ય સરકાર પાસે લીધેલી અછત અંગેની 2.64 કરોડની લોન પરનું વ્યાજ જ રૂા. 10.63 કરોડ થયું છે. તેવી જ રીતે પાણી પુરવઠા બોર્ડને રૂા. 184 કરોડ, સિંચાઇ વિભાગને રૂા. 100 કરોડ તથા ડીપી ટીપી વળતર પેટે રૂા. 14 કરોડની રકમ ચૂકવવાની બાકી છે.