જામનગર શહેરમાં કોવિડની ગાઈડલાઈનનો ભંગ કરતા લોકો વિરૂધ્ધ જામ્યુકો અને પોલીસ વિભાગ દ્વારા દંડાત્મક કાર્યવાહી અંતર્ગત 80 દિવસ દરમિયાન કુલ રૂા.24 લાખની રોકડ રકમ દંડ પેટે વસૂલ કરવામાં આવી હતી અને આ કામગીરી દરમિયાન કુલ 120 મિલ્કતો સીલ કરવામાં આવી હતી. જ્યારે 253 દુકાનો કોવિડ નિયમોના ભંગ સબબ સીલ કરાઈ હતી.
જામનગર સહિત સમગ્ર રાજ્યમાં કોરોનાની બીજી લહેર ઝડપી અને ઘાતક સાબિત થઈ રહી છે. આ કોવિડ મહામારીમાં ગાઈડલાઈનના નિયમોનો ભંગ કરતાં લોકો વિરૂધ્ધ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જામનગર મહાનગર પાલિકા અને પોલીસ વિભાગની સંયુકત કામગીરીમાં છેલ્લાં 80 દિવસ દરમિયાન એટલે કે ગત તા.22 માર્ચથી તા.22 જૂન સુધીના સમયમાં માસ્ક ન પહેરનારા 870 કેસમાં દંડ પેટે રૂા. 8,89,500 જ્યારે સોશિયલ ડિસ્ટન્સીંગ ભંગના કુલ 5908 કેસ નોંધી રૂા.15,37,610 નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. આમ, શહેરના કુલ 6,788 કેસ નોંધી રૂા.24,27,110 નો દંડ વસૂલવામાં આવ્યો હતો. ત્યારે આ કાર્યવાહી દરમિયાન મહાનગરપાલિકા દ્વારા 120 મિલકતો સીલ કરવામાં આવી હતી અને કોવિડ ગાઈડલાઈનના ભંગ સબબ 253 દુકાનોને નોટિસ આપી સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
જામ્યુકોએ શહેરીજનો પાસેથી કોવિડમાં 24 લાખનો દંડ વસૂલ કર્યો
માસ્કના 870 કેસમાં રૂા.8.89 લાખનો દંડ: સોશિયલ ડિસ્ટન્સીંગ ભંગના 5908 કેસમાં રૂા.15.37 લાખનો દંડ વસૂલાયો : 120 મિલકતો સીલ કરાઇ : 253 દુકાનો કોવિડના ભંગમાં સીલ