જામનગર મહાપાલિકામાં વર્ષ 2022-23નું ડ્રાફટ અંદાજપત્ર તૈયાર કરી લેવામાં આવ્યું છે. જેને મ્યુ. કમિશનર વિજયકુમાર ખરાડી સોમવારે બપોરે 12 વાગ્યે મંજૂરી માટે સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવશે. અંદાજપત્રમાં કર-દરમાં સામાન્ય વધારો સૂચવવામાં આવે તેવા સંકેતો મળી રહ્યાં છે.
જામનગર મહાનગરપાલિકાનું વર્ષ 2022-23નું અંદાજપત્ર સોમવારે સવારે સ્થાયી સમિતિના અધ્યક્ષ મનિષ કટારીયાને સુપ્રત કરવામાં આવશે. કોરોનાકાળ દરમિયાન આ ત્રીજુ બજેટ રજૂ કરવામાં આવી રહ્યું છે. મ્યુ. કમિશનર દ્વારા રજૂ કરવામાં આવનારા આ બજેટમાં જામ્યુકોની મુખ્ય આવક ગ્રાન્ટ આધારીત હશે. જ્યારે પાણી ચાર્જ, મિલકતવેરો, સફાઇવેરો તેમજ અન્ય ચાર્જીસમાં જામ્યુકોની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખી સામાન્ય વધારો સૂચવવામાં આવી શકે છે. જો કે, સૂચિત દરખાસ્તો મંજૂર કરવી કે નહીં? તે સ્ટે. કમિટીના હાથમાં રહેશે. સોમવારે રજૂ કરવામાં આવનારા આ બજેટ અંગે સ્થાયી સમિતિમાં ચર્ચા વિચારણા કરવામાં આવશે. ત્યારબાદ જરુરી સુધારા-વધારા સાથે બજેટને બહાલી આપી અંતિમ મંજૂરી માટે સામાન્ય સભામાં રજૂ કરવામાં આવશે. જ્યાં મંજૂરી મળ્યા બાદ આખરી મંજૂરી માટે રાજ્ય સરકારને મોકલવામાં આવશે. નિયમ મુજબ 28 ફેબ્રુઆરી પહેલા મહાપાલિકાનું બજેટ મંજૂર થઇ જવું જરુરી છે. તે જોતાં ફેબ્રુઆરીમાં જામ્યુકોની સામાન્ય સભાની બજેટ બેઠક યોજાઇ શકે છે.