કોરોના સંકટના કપરા કાળમાં પેટ્રોલ, ડીઝલ, ખાદ્યચીજોમાં મોંઘવારીની માર ખમીને જીવતા આમ આદમીને દાઝ્યા પર ડામ રૂપે અમૂલ દૂધ પણ મોઘું થયું છે. ગુરુવારથી જ અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર બે રૂપિયા વધી ગયા છે. લગભગ દોઢ વરસ પછી ઊમલે દૂધના ભાવમાં આ વધારો કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
અમૂલ ગોલ્ડ, અમૂલ શક્તિ, અમૂલ તાજા, અમૂલ ટી-સ્પેશિયલ, અમૂલ સ્લીમ એન્ડ ટ્રીમ સહિત તમામ પ્રકારના ઉત્પાદનોમાં લિટરે બે રૂપિયા વધારો કરાયો છે. અમૂલને પગલે અન્ય ડેરીઓ પણ વહેલામોડે દૂધના ભાવમાં વધારો કરે તેવી પૂરી સંભાવના છે.
દોઢ વર્ષથી ચાલતી કોરોના મહામારીએ લોકોનાં સુખ-શાંતિ છીનવી લીધાં છે ને બીજી તરફ કાળઝાળ મોંઘવારી જીવવું દુષ્કર બનાવી રહી છે. પેટ્રોલ-ડીઝલ રોજબરોજ મોંઘાં થતાં જાય છે, સરકાર બેલગામ કંપનીઓ સામે કશું કરતી નથી. એવામાં હવે દૂધમાં કહેવાતો હળવો પણ મધ્યમવર્ગ માટે ડામ જેવો ભાવવધારો ઝીંકી દેવાતા હવે ઘરના બજેટ અસ્તવ્યસ્ત થઈ જવાના છે. પેટ્રોલ-ડીઝલની મોંઘવારીએ જીવનજરૂરી તમામ ચીજોના ભાવવધારી દીધા છે, વધતા જાય છે.
કોરોનાએ હજારો લોકોની રોજગારી છીનવી લીધી છે. એવામાં સરકારે પેટ્રોલ-ડીઝલ પર તગડી એક્સાઇઝ, વેટ અને સેસ જેવા ટેક્સ નાંખીને મોંઘાદાટ બનાવી દીધા છે. હવે તેની અસરે બધી જ ચીજો સળગવા લાગી છે. વાહન વ્યવહારમાં ડીઝલનો ઉપયોગ સૌથી વધારે થાય છે. જેમાં છેલ્લાં છ માસમાં એક લીટરે રૂ.18નો ભાવવધારો થયો છે અને તેની અસરે હવે દૂધથી માંડી શાકભાજી, અનાજ, કઠોળ, ભાડાં વગેરે તમામ ખર્ચા સતત વધતા જાય છે. લોકોની આવક વધી નથી. ગરીબ વર્ગ ક્યાંયનો નથી રહ્યો અને મધ્યમવર્ગ આવક-ખર્ચના બે છેડાં ભેગાં કરવામાં જ હાંફી જાય છે. સુખી સંપન્ન પરિવારોનાં પેટનું પાણી હલતું નથી.
પેટ્રોલને કારણે સાધારણ પરિવારનું માસિક ખર્ચ છ મહિનાથી રૂ. 450-500 જેટલું વધી જ ગયું છે. ખાદ્યતેલો ગયા વર્ષની તુલનાએ 40 ટકા ઉંચા ભાવે મળી રહ્યા છે. હવે દૂધને કારણે એક પરિવારને ન્યુનતમ રૂ. 180-200નો ભાવવધારો સહન કરવાનો આવશે. અનાજ અને કઠોળના ભાવ વૈશ્વિક વધઘટને લીધે તેજીમાં છે એટલે લોકોનું કરિયાણાનું બિલ પણ મહિને રૂ. 150-200 જેટલું ઉંચકાઈ ચૂક્યું છે. આમ એક પરિવારને માસિક રૂ. 1000-1200 જેટલો વધારાનો ખર્ચો થવા લાગ્યો છે. એની સામે પગાર વધારો તો ઠીક નોકરી પણ ઘણાની બચી નથી.
કોરોનાની બીજી લહેર હાલમાં પૂરી થઈ છે. ઘેર ઘેર આ બીમારીએ તોતિંગ ખર્ચા કરાવ્યા છે. ક્યાંક દવાનો ખર્ચ થયો છે તો ક્યાંક ક્યાંક હોસ્પિટલાઇઝેશનને લીધે લાખો વપરાયા છે. સરકારે મદદનાં નામે ફદિયુંય ચૂકવ્યું નથી. ઉલટું પેટ્રોલ-ડીઝલના વધતા દામને પણ રોકવામાં હાથ ઉંચા કરી રહી છે એટલે મોંઘવારી વધુ ભડકી રહી છે.
ચોમાસાનો આરંભ થઈ ગયો છે પણ હજુ સાર્વત્રિક વાવણીલાયક વરસાદ પડયો નથી. સરકાર તો જવાબદારી ખંખેરી રહી છે પણ હવે કુદરત પણ રુઠે નહીં તો સારું એવી પ્રાર્થના લોકો મનોમન કરી રહ્યા છે.
જિયે તો જિયે કૈસે?! કરોડો દેશવાસીઓની મૂંઝવણ
મોંઘવારીના મારથી જનતા ત્રાહિમામ્


