દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાણવડ નગરપાલિકામાં તાજેતરમાં મધ્યસ્થ ચૂંટણી યોજાઇ હતી. જેમાં કોંગ્રેસ દ્વારા વિજય મેળવી ભાજપના 25 વર્ષના શાસનનો અંત આવ્યો હતો. જેમાં આજરોજ નગરપાલિકાના પ્રમુખ તરીકે જીગ્નાબેન હિતેશભાઇ જોશી તથા ઉપપ્રમુખ તરીકે ઉંમર સુલેમાન સમાની બહુમતિથી વરણી કરવામાં આવી છે.
તાજેતરમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ નગરપાલિકામાં મધ્યસ્થ ચૂંટણી યોજાઇ હતી. જેમાં 25 વર્ષ પછી ભાજપને પછાડી કોંગ્રેસે 24 માંથી 16 બેઠકની તોતિંગ બહુમતિ મેળવી ઇતિહાસ સર્જ્યો હતો.
ભાણવડ નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી આજરોજ ખંભાળિયામાં પ્રાંત અધિકારી સંજય કેશવાલાના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી. જેમાં પ્રમુખ તરીકે જીગ્નાબેન હિતેશભાઇ જોશી તથા ઉપપ્રમુખ તરીકે ઉંમર સુલેમાન સમાની વરણી કરવામાં આવી હતી. કોંગ્રેસ દ્વારા ભાણવડમાં 25 વર્ષ પછી શાસન મેળવતાં કોંગ્રેસના સિનિયર ધારાસભ્ય વિક્રમભાઇ માડમ તેમજ જિલ્લા પંચાયત સદસ્ય કે.ડી. કરમુર દ્વારા નવા ચૂંટાયેલા હોદ્દેદારોને શુભેચ્છા પાઠવી હતી. જ્યારે ભાણવડ નગરપાલિકાના વિસ્તારના લોકોને પણ નવ નિયુક્ત સત્તાધારી પક્ષ પાસે સારા રસ્તા તથા સ્વચ્છ પાણીની અપેક્ષા રાખી રહ્યાં છે.