જામનગર શહેર અને જિલ્લામાં તસ્કરો એક પછી એક ચોરીઓ કરતા જાય છે અને પોલીસ જોતી રહે છે છેલ્લાં થોડાં દિવસોથી તસ્કરો પોલીસની ધાક ઓસરતી જતી હોય તેમ ચોરીઓને અંજામ આપતા જાય છે ખોડિયાર કોલોની વિસ્તારમાં ફર્નિચરના શોરૂમમાંથી ચોરી થયાની બનાવ બાદ 10 દિવસ પૂર્વે માર્કેટીંગ યાર્ડ સામેના વિસ્તારમાં રહેતાં ખેડૂતના મકાનમાંથી તસ્કરો બે લાખની માલમતા ચોરી કરી ગયાના બનાવની ફરિયાદ નોંધાઇ છે.
મળતી વિગત મુજબ, જામનગર શહેર અને જિલ્લામાં તસ્કરોનો તરખાટ ગંભીર રીતે વધી રહ્યો છે. જેને કારણે શહેરીજનોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. હાલમાં તીનબતિ ચોક વિસ્તારમાં એક સાથે ચાર-ચાર દુકાનોમાં ચોરી તથા ખોડિયાર કોલોનીમાં બે દુકાનોમાં અને ત્યારબાદ ફર્નિચરના શો રૂમમાંથી ચોરીની ઘટનાને કારણે પોલીસને કામગીરી ઉપર અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે. હજુ આ ચોરીઓનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી નથી ત્યારે 10 દિવસ પૂર્વે જામનગરના હાપા માર્કેટીંગ યાર્ડની સામે રેલવે ફાટકની બાજુમાં વાડી વિસ્તારમાં રહેતાં ધર્મેશભાઈ દેવશીભાઈ ચૌહાણ નામના ખેડૂતના મકાનમાં ગત તા.25 માર્ચના રોજ બપોરના 1 વાગ્યાથી સાંજના પોણા 6 વાગ્યાના સમય દરમિયાન અજાણ્યા તસ્કરોએ દરવાજાના તાળા તોડી મકાનમાં પ્રવેશ કરી રૂા.37500 ની કિંમતનો દોઢ તોલાનો સોનાનો હાર, રૂા.50 હજારની કિંમતની બે તોલાની સોનાની લક્કી તથા રૂા.50,000 ની કિંમતની સોનાની બે તોલાની બંગડી, રૂા.12500 ની કિંમમતની બે નંગ સોનાની વીંટી ઉપરાંત 2022 માં ખરીદ કરેલ રૂા.40 હજારનો કિંમતનો સોનાનો ચેઈન અને રૂા.20 હજારની કિંમતનું અડધા તોલાનું સોનાનું પેંડલ મળી કુલ રૂા..2,10,000 ની કિંમતના સાડા આઠ તોલા સોનાના દાગીનાની ચોરી કરી ગયાની ફરિયાદ નોંધાવી છે.
જેના આધારે પીએસઆઈ વી.આર. ગામેતી તથા સ્ટાફે અજાણ્યા તસ્કરો વિરૂધ્ધ ચોરીનો ગુનો નોંધી તસ્કોરનું પગેરૂ મેળવવા તપાસ આરંભી હતી.