જામનગર શહેરના દિગ્વીજય પ્લોટ 49 વિસ્તારમાં મોડપીર ડાડાના મંદિર પાસે રહેતાં કારખાનેદારના ઘરમાં ઉપરના માળે અજાણ્યા તસ્કરોએ કબાટના લોક તોડી દોઢ લાખની કિંમતની છ તોલાની સોનાની કંઠી ચોરી કરી ગયા હતાં.
ચોરીના બનાવની વિગત મુજબ, જામનગર શહેરના દિગ્વીજય પ્લોટ 49 વિસ્તારમાં મોડપીર ડાડાના મંદિર પાસે રહેતાં અને બ્રાસપાર્ટનું કારખાનું ધરાવતા પરષોતમભાઈ મીઠુભાઈ ખાનીયા નામના વૃદ્ધના મકાનમાં ગત તા.17 ના સાંજે છ વાગ્યાથી તા.18 ના સવારના સાડા આઠ વાગ્યા સુધીના સમય દરમિયાન અજાણ્યા તસ્કરો મકાનમાં ઘૂસ્યા હતાં અને તસ્કરોએ ઉપરના માળે આવેલા રૂમમાં રહેલ લોખંડના કબાટનો લોક તોડી તેમાં રાખેલી વૃધ્ધની માતાની રૂપિયા દોઢ લાખની કિંમતની છ તોલાની સોનાની કંઠી ચોરી કરી ગયા હતાં. ચોરીની જાણ પરષોતમભાઇ દ્વારા કરવામાં આવતા પીએસઆઈ બી.એસ.વાળા તથા સ્ટાફે સ્થળ પર જઈ ચોરીનો ગુનો નોંધી તસ્કરોનું પગેરૂ મેળવવા તપાસ આરંભી હતી.