ધ્રોલ ગામમાં નગરપાલિકા સામે આવેલી સોના-ચાંદીની દુકાનની દીવાલમાં બાકોરૂં પાડી અજાણ્યા તસ્કરોએ રૂા. 2,58,000ની કિંમતના ત્રણ કિલો ચાંદીના દાગીના, રૂા. 15 લાખની કિંમતના 150 ગ્રામ સોનાના દાગીના મળી કુલ રૂપિયા 17,58,000ના દાગીના ચોરી કરી ગયાની ફરિયાદ પોલીસ ચોપડે ઉઠવા પામી છે.
ચોરીના બનાવની મળતી વિગત મુજબ ગઇકાલે મકરસંક્રાંતિના રાત્રિના સમયે ધ્રોલ નગરપાલિકા સામે આવેલી જોડિયા તાલુકાના હડિયાણા ગામના વતની પ્રકાશભાઇ હેમતલાલ ભિંડી નામના વેપારીની શ્રી તુલજા ભવાની જ્વેલર્સ નામની સોના-ચાંદીની દુકાનમાં અજાણ્યા તસ્કરોએ દીવાલમાં બાકોરૂં પાડી, દુકાનમાં પ્રવેશ કરી, તિજોરી તથા શો-કેસમાં રહેલા રૂપિયા 2,58,000ની કિંમતના ત્રણ કિલો ચાંદીના દાગીના અને રૂા. 15 લાખની કિંમતના 150 (15 તોલા) સોનાના દાગીના મળી કુલ રૂપિયા 17,58,000ની કિંમતના દાગીના ઉસેડી ગયા હતા. ચોરીના આ બનાવની જાણ વેપારી દ્વારા કરવામાં આવતા પીઆઇ એચ. વી. રાઠોડ તથા સ્ટાફએ તાત્કાલિક સ્થળે દોડી જઇ ચોરીના બનાવની ફરિયાદ નોંધી ભેદ ઉકેલવા માટે સીસીટીવી ફૂટેજ છે કે કેમ? અને એફએસએલ તથા ગુનાશોધક શ્વાનની મદદ વડે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.


