જામનગર તાલુકાના જામવંથલી ગામમાં વાડી વિસ્તારમાં રહેતાં વૃદ્ધાના બંધ મકાનમાં ચાવી વડે દરવાજાનું તાળુ ખોલી લાકડાની પેટી ખોલી તેમાંથી રૂા.2,80,000 ની કિંમતના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે તપાસ આરંંભી હતી.
બનાવની વિગત મુજબ જામનગર તાલુકાના જામવંથલી ગામના વાડી વિસ્તારમાં રહેતાં અને ખેતીકામ કરતા જશુબેન છગનભાઈ પરમાર નામના વૃદ્ધાના બંધ મકાન રવિવારે સવારના 11:30 થી 12:30 સુધીના એક કલાક બંધ રહેલા મકાનના દરવાજાના તાળાની ચાવી તસ્કરોએ બારી પાસેથી લઇ દરવાજો ખોલી મકાનમાં પ્રવેશ કરી રૂમમાં રાખેલી લાકડાની પેટી તોડી તેમાંથી રૂા.2,80,000 ની કિંમતના સોના-ચાંદીના દાગીનાની મતા ચોરી કરી ગયા હતાં. આ અંગેની જાણ કરતા પીએસઆઈ જે.પી. સોઢા તથા સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને કોઇ જાણભેદુ હોવાની આશંકાએ તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા હતાં.


