દેશમાં વધી રહેલા કોરોના સંક્રમણના કારણે નેશનલ ટેસ્ટિંગ એજન્સી NTAએ જેઈઈ મેઈન 2021 એપ્રિલની પરીક્ષા સ્થગિત કરી દીધી છે. પરીક્ષાના બે સેશન ફેબ્રુઆરી અને માર્ચમાં આયોજિત થઈ ચુક્યા છે. વિદ્યાર્થીઓ અને વાલીઓની સતત માંગને પગલે NTAએ 10 દિવસ પહેલા પરીક્ષા સ્થગિત કરી દીધી છે.
આ પરીક્ષા 27, 28 અને 30 એપ્રિલના રોજ આયોજિત થવાની હતી પરંતુ તેને સ્થગિત રાખવામાં આવી હોવાથી ટૂંક સમયમાં જ નવી પરીક્ષા તારીખ જાહેર કરવામાં આવશે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી હતી. તેમના કહેવા પ્રમાણે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેમણે NTAને પરીક્ષા સ્થગિત કરવા સૂચન આપ્યું હતું.
શિક્ષણ મંત્રીએ પરીક્ષાની નવી તારીખ પરીક્ષાના 15 દિવસ પહેલા જાહેર કરી દેવામાં આવશે તેવી સ્પષ્ટતા કરી હતી. જે વિદ્યાર્થીઓએ એપ્રિલ સેશનની પરીક્ષા માટે એપ્લાય કર્યું હતું તેઓ સત્તાવાર વેબસાઈટ પરથી પરીક્ષાની નવી તારીખ ચેક કરી શકશે.