રશિયાના કામચટકા પર 8.8 ની તિવ્રતાનો ભુકંપ બાદ USGS અનુસાર સુનામી એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભુકંપનું કેન્દ્ર રશિયાના કામચટકા દ્વીપના પુર્વી કિનારા નજીક હોવાનું માનવામાં આવી રહ્યું છે.

રશિયાના દૂર પુર્વીય પ્રદેશ કામચાટકામાં વહેલીસવારે ભુકંપના જોરદાર આંચકા અનુભવાયા હતાં. ભુકંપની તિવ્રતા રિકટર સ્કેલ પર 8.8 માપવામાં આવી હતી. USGS અનુસાર ભુકંપ સમુદ્રની નીચે આવ્યો હોય, જાપાન અને યુએસ એજન્સીઓએ સુનામી ચેતવણી જાહેર કરી છે. રશિયાના દરિયાકાંઠા તેમજ અમેરિકાના જાપાન અને કેલિફોર્નિયામાં સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે અને કહેવાય છે કે, સમુદ્રમાં ત્રણ ફુટ ઉંચા મોજા ઉછળી શકે છે અને ઘણાં વિસ્તારોમાં વિનાશ નોતરી શકે છે.

ત્યારે રશિયામાં આવેલા ભુકંપ બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સુનામીની ચેતવણી જાહેર કરી છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી જણાવ્યું કે, કોલિફોર્નિયાના દરિયાકાંઠાના વિસ્તારમાં સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે. રશિયામાં ભુકંપથી ઘણુ નુકસાન થયું છે. જેમાં ઘણી ઈમારતોને નુકસાન થયું છે તો યુએસ સુનામી ચેતવણી કેન્દ્રનું કહેવું છે કે, ઈકવાડોરમાં ત્રણ મીટર સુધી ઉંચા દરિયાઈ મોજા ઉછળી શકે છે જ્યારે રશિયામાં આવેલા ભુકંપ પછી હોનોલુલુ દરિયાકાંઠા પરથી લોકો પરત ફરી રહ્યા છે. જ્યારે જાપાનમાં લોકો સુનામીની ચેતવણી બાદ ટેરેસ પર ચઢી ગયા હતાં. જાપાનમાં 16 સ્થળો પર સુનામીની એન્ટ્રી થઈ ચૂકી છે. જ્યાં 40 સેમી ઉંચા મોજા જોવા મળ્યા છે. જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સતર્ક રહેવા કહ્યું છે.

સુનામીની ચેતવણી બાદ સ્થાનિકો અને પ્રવાસીઓ હવાઈ છોડી રહ્યા છે. ત્યારે એરપોર્ટ પર ભારે ભીડ જામી છે. અહીં ત્રણ થી બાર ફુટ ઉંચા દરિયાઈ મોજા ઉછળવાની શકયતાઓ છે. જાપાનના વડાપ્રધાન શિગેસ ઈશિબાએ પરિસ્થિતિની જાણ થતા કટોકટીની બેઠક બોલાવી હતી અનેે બચાવ રાહત તૈયારીઓ શરૂ કરી દીધી છે ત્યારે આગામી ત્રણ કલાકમાં ખતરનાક સુનામી મોજા રશિયા અને જાપાનના કેટલાંક વિસ્તારોમાં પહોંચી શકે છે. તો હળવા મોજા ફિલિપાઈન્સ માર્શલ આઈલેન્ડસ, પલાઉ અને અન્ય ટાપુઓ સુધી પહોંચાડવાની શકયતાઓ છે. ભુકંપ અને સુનામીના ભય પછી રશિયાના સખાલિન ક્ષેત્રના નાના શહેર સેવેરો કુરિલ્સ્કમાંથી લોકોને બહાર કાઢવાનું કામ ચાલુ છે. વહીવટી તંત્ર યુદ્ધના ધોરણે લોકોની સલામતી સુનિશ્ર્ચિત કરવામાં રોકાયેલું છે. ત્યારે સ્થાનિક અધિકારીઓએ લોકોને સતર્ક રહેવા અફવાઓથી દૂર રહેવા અપીલ કરી છે.


