રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં સુશાસન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે જામ્યુકોનું તંત્ર પણ શહેરીજનોને ગુડ ગર્વનન્સનો અનુભવ કરાવશે. જામ્યુકોના વહીવટી તંત્રએ આ માટે ત્રણ ટુકડીઓની રચના કરી છે. જે પાંચ દિવસ દરમિયાન શહેરના જુદા જુદા વોર્ડમાં જઇને જામ્યુકો દ્વારા ચાલતી કામગીરીની સમિક્ષા કરશે.
સુશાસન વિકની ઉજવણી અંતર્ગત જામનગર મહાપાલિકા દ્વારા કમિશનર, નાયબ કમિશનર તથા આસી. કમિશનરની આગેવાની હેઠળ આઠ-આઠ અધિકારીઓની ત્રણ ટુકડીઓ બનાવી છે. આ ત્રણ ટુકડીઓ 31 ડિસેમ્બર સુધી સવારે 7 થી 10:30 તેમજ બપોરે 3 થી સાંજે 6:30 વાગ્યા દરમિયાન શહેરના જુદા જુદા વોર્ડમાં આવેલા આરોગ્ય કેન્દ્ર, વોર્ડ ઓફિસ, સિવિક સેન્ટર, પ્રોજેકટ સાઇડ, સફાઇ સાઇડ, આંગણવાડી, સ્કૂલ-કોલેજ વગેરેની મુલાકાત લેશે. તેમજ જે તે વોર્ડના કોર્પોરેટરો સાથે બેઠક યોજી પ્રશ્ર્નો અને સમસ્યાઓ અંગે જાણકારી મેળવશે. સમસ્યાઓ અને પ્રશ્ર્નોનો સ્થળ નિરીક્ષણ કર્યા બાદ તેના ટૂંકાગાળાના અને લાંબાગાળાના નિરાકરણ માટેનું આયોજન કરશે. તેમજ આ વિસ્તારના સ્થાનિક રહેવાસીઓને પણ મળશે અને તેમની સમસ્યાઓ જાણવાનો પ્રયાસ કરશે. દિવસ દરમિયાન કરવામાં આવેલા સ્થળ નિરિક્ષણ અને મુલાકાત બાદ મોડીસાંજે 7 થી 7:30 વાગ્યા દરમિયાન કમિશનરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાશે જેમાં દરેક ટુકડીઓ તેમણે જાણેલી અને અનુભવેલી બાબતો અંગેની ચર્ચા વિચારણા કરશે. સમીક્ષા બાદ તેના ત્વરીત નિરાકરણ માટેનો પ્રયાસ હાથ ધરવામાં આવશે.
જામ્યુકોનો આ પ્રયાસ ખરેખર પ્રમાણિક અને સફળ રહે તો ખરા અર્થમાં જામનગરવાસીઓ ગુડ ગર્વનન્સ (સુશાસન)નો અનુભવ કરશે.