કોરોનાની ત્રીજી લહેરની વકરી રહેલી સ્થિતિને ધ્યાનમાં રાખી જામનગર મહાપાલિકાએ આગામી પ્રજાસત્તાક પર્વની ઉજવણી જામ્યુકોના પરિસરમાં જ કરવાનો નિર્ણય કર્યો છે. જયારે શહેરમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનની કામગીરી માટે થયેલાં વધારાના રૂપિયા 11.32 કરોડના ખર્ચને પણ મંજૂરી આપવામાં આવી છે.
ચેરમેન મનિષ કટારિયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલી જામ્યુકોની સ્થાયી સમિતિની બેઠકમાં કુલ 17 કરોડના જુદા-જુદા કામોને તેમજ ખર્ચને બહાલી આપવામાં આવી હતી. વોર્ડ નં. 11માં તેમજ વોર્ડ નં. 3માં સ્ટોર્મ વોટર ડ્રેેનેજ માટે 3.5 કરોડથી વધુના ખર્ચને મંજૂરી આપવામાં આવી હતી. આ ઉપરાંત શહેરના જુદા-જુદા વિસ્તારોમાં રોડને બન્ને સાઇડમાં કરવામાં આવેલાં પ્લાન્ટેશનમાં છોડને પાણી પીવડાવવા માટે વધારાના રૂા. 5 લાખના ખર્ચને પણ મંજૂરી આપવામાં આવી હતી. જયારે શહેરના 7 વોર્ડમાં નંદ ઘર (આંગણવાડી) બનાવવા માટે 90 લાખનું ખર્ચ મંજૂર કરાયું હતું. આજની બેઠકમાં મેયર બીનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર તપન પરમાર, કમિશનર વિજય ખરાડી, ડેપ્યુટી કમિશનર એ.કે. વસ્તાણી, આસી. કમિશનર ડાંગર તેમજ જુદા-જુદા વિભાગોના અધિકારીઓ ઉપસ્થિતિ રહયા હતા.