જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત તે કહેવત તો જાણીતી છે. પરંતુ હવે જ્યાં વસે ગુજરાતી ત્યાં રમાય ગરબા તેમ કહીએ તો પણ ખોટું નથી. આગામી તા.30 મીએ ભારતીય સમાજ દ્વારા વિશ્ર્વ મેલબોર્ન સ્ટેડિયમમાં દિવાળી અગાઉ યોજાયેલા ઈન્ડિયન ફેસ્ટીવલમાં જામનગરના ગરબા ગ્રુપના ડાકલા વાગશે. તેવી જાહેરાત ફેસ્ટીવલમાં પસંદગી પામેલા દાંડિયા ગ્રુપના નાનક ત્રિવેદીએ કરી હતી.
તેઓએ જણાવ્યું હતું કે, દર વર્ષે ભારતીય સમાજ અન્ય દેશો પ્રત્યે શુભેચ્છા વ્યકત કરવા આ પ્રકારના ફેસ્ટીવલોનું આયોજન કરે છે. આ વર્ષે ઈન્ડિયન ફેસ્ટીવલ માટે જામનગરના ગ્રુપ સહિત ગુજરાતના અને અન્ય રાજ્યોના લોક નૃત્યોના બાવન ગ્રુપ વચ્ચે પસંદગીની હરીફાઈ હતી. જામનગરના અમારા દાંડિયા ગ્રુપના 28 બહેનો અને 14 ભાઈઓ દ્વારા ડાકલા નૃત્ય સાથેના ગરબાનો વીડિયો બનાવીને ઈન્ડિયા ફેસ્ટીવલ કમિટીને મોકલવામાં આવ્યો હતો. જે બાદ તાજેતરમાં તેઓ તરફથી આ ગરબો ગ્રુપ ડાન્સ તરીકે પસંદગી પામ્યો હોવાનું જણાવવામાં આવ્યું હતું.
હવે આગામી તા.30 ના રોજ મેલબોર્ન સ્ટેડિયર્મ ખાતે યોજાયેલા ઈન્ડિયા ફેસ્ટીવલના મેગા સ્ક્રીનપર જામનગરના ગ્રુપનો ગરબો રજૂ થશે. કોવિડના પ્રતિબંધોને કારણે કોઇ ખેલૈયાઓને પ્રત્યક્ષ બોલાવવામાં ન આવ્યા હોવાનું તેઓએ જણાવ્યું હતું.