ખંભાળિયા- જામનગર માર્ગ પર આવેલા એક ગેસ્ટ હાઉસમાં જામનગરના રહીશ એવા એક યુવાને પોતાની જિંદગીથી કંટાળી આપઘાત કરી લીધો હોવાનો બનાવ બન્યો છે.
આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ જામનગરના રામેશ્વર નગર વિસ્તારમાં આવેલા દ્વારકેશ પાર્કમાં રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતાં ચતુરપુરી લહેરપુરી ગોસ્વામી નામના 45 વર્ષીય બાવાજી યુવાનનો મૃતદેહ ગઈકાલે રવિવારે સાંજે અત્રે જામનગર માર્ગ પર આવેલા પરિશ્રમ ગેસ્ટહાઉસના રૂમ નંબર 12 માંથી ગળાફાંસો ખાધેલી હાલતમાં સાંપડયો હતો.
આ બનાવ અંગે મૃતકના ભાઇ એવા જામનગરના ગુલાબનગર વિસ્તારમાં રહેતા મહેન્દ્રપુરી લહેરપુરી ગોસ્વામીએ પોલીસમાં જાહેર કરેલી વિગત મુજબ મૃતક ચતુરપુરીએ પોતાની જિંદગીથી કંટાળી સુસાઇડ નોટ લખી અને ગેસ્ટ હાઉસના રૂમમાં રહેલા પંખાના હુકમાં ઓછાડ વડે ગળાફાસો ખાઈને ગઈકાલે રવિવારે સાંજે સાડા પાંચ વાગ્યા પહેલા કોઈપણ સમયે આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે ખંભાળિયા પોલીસે મૃત્યુ અંગેની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.