જામનગરમાં આઈએનએસ વાલસુરા નેવલ ભરતીમાં ભાગ લેવા માટે બોગસ દસ્તાવેજો અને ડોમીસાઈલ સર્ટીફિકેટ બનાવી ખોટા સરકારી દસ્તાવેજો અને સીક્કા બનાવી કૌભાંડ ખુલતા ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન સહિતના આઠ શખ્સો વિરૂધ્ધ ફરિયાદ નોંધાઇ છે.
આ અંગેની વિગત મુજબ, જામનગર ખાતે નેવી તાલીમ સેન્ટર આઈએનએસ વાલસુરામાં ભરતી પ્રક્રિયા યોજાઈ હતી. આ ભરતી પ્રક્રિયામાં ભાગ લેવા આવેલા ઉમેદવારો પૈકીના છ વ્યકિતઓએ રજૂ કરેલા દસ્તાવેજો બોગસ હોવાનું ખુલ્યું હતું અને આ છ શખ્સોએ રજૂ કરેલા ડોમીસાઈલ પ્રમાણપત્ર પણ બનાવટી હોવાનું બહાર આવ્યું હતું. આ કૌભાંડમાં રાજસ્થાનના અલવરમાં ખાનગી ડિફેન્સ એકેડમી ચલાવતા બે શખ્સોની સંડોવણી ખુલ્લી હતી. જેના આધારે વાલસુરાના અધિકારી મનોજ લક્ષ્મણસીંઘ બીસ્ટએ જાણ કરતા આ બનાવ અંગે પીએસઆઈ આર.એ. વાઢેર તથા સ્ટાફે રાજસ્થાનના અલવર જિલ્લાના કોટપુતલીના રાજેન્દ્રસિંગ યાદવ અને વિમલ ઉર્ફે મોનુ નામના ખાનગી ડિફેન્સ એકેડમી ચલાવતા બન્ને શખ્સોએ બોગસ દસ્તાવેજો બનાવી આપ્યા હતાં.
આ બોગસ દસ્તાવેજો સંતોષકુમાર સરદારારામ સેપટ (રહે.મુદવારા, તા. ધોધ, રાજસ્થાન), કમલેશ જગદીશ સારણ (રહે.પુન્યાણા ધોલાશ્રી રાજસ્થાન) કીર્તિ દલવીર પાલ (રહે. દુનેટિયા જી.મથુરા ઉત્તરપ્રદેશ), ગૌરવ રાજવીરસિંગ ચાહર (રહે. ઘડી ઉસરા જી.આગ્રા ઉત્તરપ્રદેશ), ચંદ્રકાંત ધનસિંહ કુશ્વાહ (રહે.મહુવનકાપુરા જી. આગ્રા ઉત્તરપ્રદેશ), શ્રીકાંત શ્રીપ્રેમ સિંગ (રહે. કચુરા, જી.આગ્રા ઉત્તરપ્રદેશ) નામના છ શખ્સોએ બન્ને ભાઈઓ પાસેથી બોગસ દસ્તાવેજો અને ડોકયુમેન્ટ મેળવી વાલસુરામાં ભરતી માટે આ દસ્તાવેજો રજૂ કર્યા હતાં. જો કે, કૌભાંડ ખુલ્લી જતા વાલસુરાના અધિકારી દ્વારા બેડી મરીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઇ છે. જેના આધારે પોલીસે આઠ શખ્સો વિરૂધ્ધ આઈપીસી 465, 466, 468, 471, 484 અને 114 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.