જામનગર શહેરમાં રણજીતનગર પટેલ સમાજ પાસે બેફિકરાઇથી ચલાવતાં ઘોડાગાડીવાળાને કોર્પોરેટરે ‘આમ જાહેર માર્ગ પર ઘોડાગાડી ન દોડાવાઇ તેમ’ કહેતા ઘોડાગાડીના ચાલક સહિત સાત શખ્સોએ કોર્પોરેટરને છરી બતાવી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગર શહેરમાં રણજીતનગર પટેલ સમાજમાં હાલ કોવિડ હોસ્પિટલની તૈયારી ચાલુ હતી અને આ તૈયારી દરમિયાન વાળીના ગેઇટ પાસે રોડ પર કોર્પોરેટર ગોપાલભાઇ સોરઠીયા સહિતના વ્યક્તિઓ ચર્ચા કરતાં હતાં તે દરમિયાન રોડ પરથી અક્રમ યુસુફ સફીયા નામનો શખ્સ તેની ઘોડાગાડી બેફીકરાઇથી ચલાવતો પસાર થતાં કોર્પોરેટરે અક્રમને રોકીને ‘આમ ગીચ વિસ્તારમાં ઘોડાગાડી ન દોડાવાઇ’ જેથી ઉશ્કેરાયેલા અક્રરમે ‘ઘોડાગાડી તો આમ જ ચાલશે, આમા માણસ પણ મરે અને ઘોડો પણ મરે’ જેથી દિવ્યેશભાઇએ ઘોડાવાળાને આવુ ન બોલવા કહેતા અક્રરમે ફોન કરીને અન્ય શખ્સોને બોલાવ્યા હતાં અને અક્રરમ તથા ઇમરાન રજાક મકરાણી, મુસ્તાક હનીફ સફીયા, કાસમ ઓસમાણ બ્લોચ અને ત્રણ અજાણ્યા સહિતના સાત શખ્સોએ દિવ્યેશભાઇને છરી બતાવી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ બાદ કોર્પોરેટર ગોપાલભાઇએ સાત શખ્સો વિરુધ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીએસઆઇ એમ.વી. મોઢવાડીયા તથા સ્ટાફે ગુનો નોંધી ધમકી આપનાર શખ્સોની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.