જામનગરની જીજી-કોરોના હોસ્પિટલનો કથિત યૌનશોષણ મામલો સમગ્ર રાજયમાં ચર્ચાસ્પદ બન્યો છે.સમગ્ર જામનગર શહેરમાં ગત્ મંગળવારથી હોસ્પિટલ-મેડિકલ કોલેજ સંકુલ ખાતે દિવસ-રાત દોડધામ રહે છે. રાજયસરકારની સુચના મુજબ જામનગરમાં રચવામાં આવેલી તપાસ સમિતિએ પોતાનો રિપોર્ટ તૈયાર કરીને સ્થાનિક તથા રાજય સતાવાળાઓને સોંપી દીધો હોવાનું જાહેર થઇ ચુકયું છે. આ તકે, સમગ્ર ઘટનાક્રમ પર અછડતી નજર ફેરવી લઇએ.
જામનગરની જીજી-કોરોના હોસ્પિટલ ખાતે, કોરોનાની પ્રથમ લહેર વખતે કોન્ટ્રાકટરની મદદથી સ્થાનિક તંત્રએ 250 જેટલાં પુરૂષ-મહિલા એટેન્ડન્ટની નિમણુંક કરી હતી. ત્યારબાદ કોરોનાની બીજી લહેર સમયે વધુ 570 પુરૂષ-મહિલા એટેન્ડન્ટને કામ પર લગાડવામાં આવ્યાં હતાં. જેતે સમયે એટેન્ડન્ટની આ ભરતી આડેધડ હોવાનું પણ ચર્ચાયું હતું. મોટાભાગના એટેન્ડન્ટ બિન અનુભવી હોવાની પણ વાત ચાલી હતી. જે તે સમયે એમ પણ ચર્ચાતું હતું કે, કોરોના હોસ્પિટલમાં તબીબો એટેન્ડન્ટના ભરોસે દર્દીઓને છોડીને જતા રહે છે. જોકે, આ પ્રકારની પરિસ્થિતિ વચ્ચે કયારેય એટેન્ડન્ટ મુદ્દે તંત્ર દ્વારા ગંભીરતા દેખાડવામાં આવી હોય તેવું કોઇની જાણમાં નથી.
આ પુરૂષ-મહિલા એટેન્ડન્ટ પૈકી કેટલાંક મહિલા એટેન્ડન્ટને નોકરી દરમ્યાન વિવિધ પ્રકારની માનસિક અને શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડયો હતો. એવું પણ જાહેર થયું હતું અને સાથે સાથે એમ પણ કહેવાતું હતું કે, પુરૂષ એટેન્ડન્ટને પણ ઘણી તકલીફો હતી. કોન્ટ્રાકટર અને તંત્રની દાદાગીરી અંગે પણ અવારનવાર ચર્ચાઓ ઉઠતી. આટલી મોટી સંખ્યામાં એટેન્ડન્ટ રાખવામાં આવ્યા પછી, તેની પાછળ પગાર વગેરેનો કેટલો ખર્ચ કોરોનાકાળ દરમ્યાન થયો છે, તે અંગેની કોઇ વિગતો હજૂ સુધી જાહેર થવા પામી નથી.
ગત મંગળવારે પુરૂષ-મહિલા એટેન્ડન્ટના એક જૂથ દ્વારા સતાવાળાઓને આવેદન પણ પાઠવવામાં આવ્યું હતું. આવેદનમાં આર્થિક મુદ્દા ઉપરાંત જાતિય સતામણીની પણ વાત હતી. આમ છતાં કોઇ પણ સ્થાનિક તંત્ર દ્વારા આ આવેદન અંગે ગંભીરતા દેખાડવામાં આવી ન હતી.સામાન્ય રીતે સતાવાળાઓને આપવામાં આવતાં આવેદનપત્રો અંતે કચરા ટોપલીઓમાં જતાં હોય છે. આવેદનપત્રોના માધ્યમથી લોકોની સમસ્યાનો ઉકેલ આવ્યો હોય એવું ભાગ્યે જ કોઇ કિસ્સામાં જોવા મળે છે. આ અર્થમાં આવેદન પત્ર આપવાની અને સ્વિકારવાની પ્રથા એક નકામો વ્યાયામ બની રહ્યો હોય એવી પરિસ્થિતિ છે.
મહિલા એટેન્ડન્ટ દ્વારા જાતિય સતામણીની જે વાત આગળ ધરવામાં આવી છે. તે મુદ્દે મેડિકલ કોલેજના ડિન દ્વારા આ સમગ્ર ઘટનાક્રમના પ્રારંભે કોઇ જવાબદારી ન સ્વિકારવાનું વલણ દેખાડવામાં આવ્યું હતું. આ ઉપરાંત જીજી હોસ્પિટલના ઇન્ચાર્જ તબીબી અધિક્ષકના પિતાની તબિયત નરમ હોવાથી તેઓએ અન્ય ઇન્ચાર્જ તબીબી અધિક્ષકને ચાર્જ સોંપ્યો છે. આ ઇન્ચાર્જ તબીબી અધિક્ષક યૌનશોષણના આ મામલા મુદ્દે શરૂઆતથી પોતે કશુ જાણતાં નથી. એવું પત્રકારોને જણાવી રહ્યા છે.
ટુંકમાં સમગ્ર રાજયમાં હલચલ મચાવનાર આ કથિત યૌનશોષણના મામલા અંગે પ્રારંભથી જ હોસ્પિટલ-મેડિકલ કોલેજના સતાવાળાઓનું વલણ ઉદાસિન રહ્યું હતું. આ ઉપરાંત સમગ્ર જામનગરમાંથી કોઇ યૌનશોષણના આ મામલા મુદ્દે શરૂઆતમાં આગળ આવ્યું ન હતું. ત્યારપછી મીડિયાએ આ મામલે જબરો ઉહાપો મચાવ્યો અને ગાંધીનગરથી આદેશો છૂટયા પછી છેક સ્થાનિક તંત્રમાં સળવળાટ શરૂ થયો અને અંતે સરકારની સુચના મૂજબ તપાસ સમિતિની રચના કરવાની સ્થાનિક તંત્રને ફરજ પડી.
હવે થોડું તપાસ સમિતિ અંગે:- તપાસ સમિતિની રચનામાં હોસ્પિટલ અને મેડિકલ કોલેજના સતાવાળાઓને દૂર રાખવામાં આવ્યાં છે. આ મુદ્દાને ઘણાં બધા લોકો સુચક માને છે. આ અંગે વિવિધ પ્રકારની ચર્ચાઓ પણ ચાલી રહી છે. તપાસ સમિતિમાં જે ત્રણ સભ્યોની નિયુકતી કરવામાં આવી છે. તે સભ્યો પાસે હોસ્પિટલ અને મેડિકલ કોલેજની તેમજ એટેન્ડન્ટની કામગીરી અંગે ખાસ કોઇ વિગતો ન હોય તે સમજી શકાય તેવી બાબત છે. કારણ કે, સમિતીના ત્રણ પૈકી બે સભ્ય અન્ય વિભાગોના અધિકારીઓ છે. અને તેઓ પોતાની કામગીરીઓમાં ખુબ જ વ્યસ્ત રહેતાં હોય છે. આ ઉપરાંત સમિતિના ત્રીજા સભ્ય અન્ય હોસ્પિટલમાં જવાબદારી સંભાળતા હોય તેઓ પણ જીજી હોસ્પિટલ-મેડિકલ કોલેજ વિશે વધુ જાણકારી ન ધરાવતાં હોય તે સમજી શકાય તેવી બાબત છે.
તપાસ સમિતિના વડાની જવાબદારી પ્રાંત અધિકારી આસ્થા ડાંગરને સોંપવામાં આવી છે. અન્ય સભ્યો તરીકે ડેન્ટલ કોલેજના ઇન્ચાર્જ ડિન ડો.નયના પટેલ અને સીટી ડિવાયએસપી નિતેશ પાંડે જવાબદારીઓ સંભાળી રહ્યા છે.સમિતિના વડાએ બુધવારે કાર્યવાહીના પ્રારંભે જ જાહેર કરી દીધું હતું કે, 48 કલાકમાં તપાસનો રિપોર્ટ તૈયાર કરી કલેકટરને સોંપી દેવામાં આવશે. ત્યારબાદ, અત્યંત આધારભુત સુત્રના જણાવ્યા પ્રમાણે, સમિતિના વડા ગુરૂવારે બપોરે અમદાવાદ જવા રવાના થઇ ચૂકયાં હતાં અને એમ પણ જાણવા મળ્યું છે કે, તેઓ ગુરૂવારે રાત્રે અમદાવાદથી પરત જામનગર આવી ચુકયા છે.સમિતિના વડાએ સમિતિની કાર્યવાહી અંગે ખાસ કોઇ વિગતો જાહેર કરી નથી. 70 પૈકી 8 મહિલા એટેન્ડન્ટના નિવિદનો સમિતિએ રેકોર્ડ કર્યા હોવાનું અને આ સાથેનો રિપોર્ટ કલેકટરને સોંપ્યો હોવાનું જાહેર થયું છે.
અત્રે નોંધનીય છે કે, ગુરૂવારે એક વ્યકિત અચાનક રીતે મેડિકલ કોલેજના ગ્રાઉન્ડમાં પ્રગટી હતી. આ વ્યકિતએ પોતાની ઓળખ છૂપાવી આ મામલે ઘણી બધી સંવેદનશીલ બાબતો જાહેર કરી હતી. આ ઉપરાંત કોન્ટ્રાકટર એલ.બી.પ્રજાપતિ સહિતના પાંચ નામો પણ આ મામલે જાહેર કર્યા હતાં. અત્રે એ ખાસ ઉલ્લેખનીય છે કે, તપાસ સમિતિએ આ પાંચમાંથી એકેય વ્યકિતને પૂછપરછ અથવા નિવેદન માટે બોલાવી નથી.આ ઉપરાંત જે વ્યકિતએ પોતાની ઓળખ છૂપાવી આ મામલે ઘટસ્ફોટ કર્યા હતાં તે વ્યકિતને પાછલાં 48 કલાકમાં સમિતિએ પૂછપરછ કે, નિવેદન માટે બોલાવી નથી.
આ ઉપરાંત સમગ્ર મામલાંમાં એમ.પી.શાહ ઉદ્યોગનગર ખાતે 2016ની સાલમાં બનેલી આવાસ યોજનાનો એક ફલેટ ચર્ચામાં આવ્યો છે. તપાસ સમિતિએ આ ફલેટની આજુબાજુ રહેતાં પાડોશીના નિવેદનો નોંધ્યા નથી. આ ફલેટમાં યુવતિઓની અવરજવર રહેતી કે કેમ? વગેરે બાબતોમાં ઉંડા ઉતરવાનું તપાસ સમિતિએ યોગ્ય માન્યું નથી. અન્ય એક મુદ્દો એ છે કે, એલ.બી.પ્રજાપતિ નામના કોન્ટ્રાકટરે આ આવાસ યોજનામાં આ ચર્ચાસ્પદ ફલેટ કેવી રીતે મેળવ્યો છે? આ ફલેટ કોના નામે નોંધાયેલો છે? મહાનગરપાલિકાએ આ ફલેટની ફાળવણી કોને કરી છે? વગેરે પ્રશ્ર્નો અનુત્તર છે. અત્રે એ પણ નોંધનીય છે કે, પ્રજાપતિ નામનો આ કોન્ટ્રાકટર જામનગરના લાલવાડી વિસ્તારમાં નિવાસસ્થાન ધરાવે છે. પરંતુ આ ફલેટના કબજેદાર નિલેશ બથવારે ગુરૂવારે મીડિયા સમક્ષ એમ જણાવ્યું છે કે, આ ફલેટની ચાવી પ્રજાપતિ પાસે રહેતી હતી. આ ફલેટમાં પોતાની ગેરહાજરીમાં શું બનતું હતું? અથવા શું બન્યું હતું? તે અંગે નિલેશ બથવારે પોતે અજાણ હોવાની વાત મીડિયા સમક્ષ જાહેર કરી હતી. આ પ્રકરણમાં જે પાંચ નામો જાહેર થયા છે. તેમાં નિલેશ બથવારનું પણ રૂમના કબજેદાર તરીકે નામ જાહેર થયા પછી પણ સમિતિએ નિલેશ બથવારની પૂછપરછ કરવાની કે, તેનું નિવેદન નોંધવાની તસ્દી લીધી નથી !
સામાન્ય રીતે કોઇપણ રાજયના કોઇપણ વિસ્તારમાં જયારે મહિલા વિરૂધ્ધનો મોટો ગુનો કે બનાવ બનતો હોય છે ત્યારે સંબંધિત રાજયનું મહિલા આયોગ ચિત્રમાં આવતું હોય છે. અને સંબંધિત વ્યકિતઓ તથા વિસ્તારની મુલાકાત આ આયોગ લેતું હોય છે. અને સમગ્ર બનાવ અંગે આ આયોગ જે-તે વિસ્તારના જિલ્લા પોલીસવડા કે, કમિશ્ર્નર પાસે રિપોર્ટ માંગતું હોય છે. પરંતુ આશ્ર્ચર્યની વાતએ છે કે, ખુદ મુખ્યમંત્રીએ આ પ્રકરણની ગંભીરતા લઇ તપાસનો આદેશ છોડયો હોવા છતાં,આજની તારીખે ગુજરાતના મહિલા આયોગમાંથી કોઇ પણ પ્રતિનિધિ જામનગરની મુલાકાતે આવ્યા હોય તેવું જાહેર થયું નથી. આ પ્રકારના પ્રકરણોમાં મહિલા આયોગે બનાવની ગંભીરતા ધ્યાનમાં લઇ બનાવના મુળ સુધી પહોંચવું જોઇએ. એવો સામાન્ય શિરસ્તો છે.પરંતું જામનગરના આ પ્રકરણમાં મહિલા આયોગનું મૌન અને મહિલા આયોગની સંપૂર્ણ ગેરહાજરી વિવિધ પ્રકારની શંકાઓને જન્મ આપે છે.
જામનગરનો યૌનશોષણ મામલો: રિપોર્ટ તૈયાર
રિપોર્ટના આધારે રાજયસરકાર સ્થાનિક તંત્રને FIR સહિતના મુદ્દે માર્ગદર્શન આપશે: રાજયનું મહિલા આયોગ કયાં છે ?!