મહાનગર પાલિકા તથા તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓ યોજાનાર છે. ત્યારે આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ દ્વારા ઉમેદવારો માટે માપદંડો નક્કી કરવામાં આવ્યા છે. આ માપદંડોને જામનગર ગ્રામ્ય ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલએ આવકારી આ માપદંડો નક્કી કરવા બદલ ભાજપ પ્રમુખ, રાજ્યના મુખ્યમંત્રી તથા પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડને અભિનંદન પાઠવ્યા છે.
જામનગર ગ્રામ્ય ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલએ એક યાદીમાં જણાવ્યું છે કે, ગુજરાત પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ પક્ષને ટિકિટો ફાળવવા માટે નક્કી કરેલ ઐતિહાસિક માપદંડોને આવકારું છું અને પ્રદેશ પ્રમુખ, મુખ્યમંત્રી તથા પાર્લામેન્ટરી બોર્ડને અભિનંદન પાઠવું છું. તેમણે વધુમાં જણાવ્યું છે કે, પક્ષના નેતાઓના સગા-સંબંધીઓને ટિકિટો ન ફાળવવાના નિર્ણયને કારણે વારસાગત નેતાગીરી પર અંકુશ આવશે અને લાયકાતના ધોરણે પસંદગીના કારણે લાયક ઉમેદવારોની પસંદગી થશે. જેનાથી રાજ્યના જાહેર જીવનમાં સુધારો આવશે.
60 વર્ષથી વધુ ઉંમરના ઉમેદવારોને ટિકિટો નહીં આપવાના નિર્ણયને કારણે યુવાનોને વધુ તકો મળશે તેમજ ત્રણ ટર્મથી ચૂંટાઇને આવનારાઓને ટિકિટ નહીં આપવાના કારણે નવા ઉમેદવારોને તકો મળશે. જેથી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સ્થાપિત નેતાગીરીને બદલે નવા લોકોને વધુ તકો મળશે. આ માપદંડો ઐતિહાસિક છે. તેમજ ભાજપ પક્ષ સિવાય આવા ઉત્કૃષ્ટ નિર્ણયો બીજો કોઇ પક્ષ લઇ શકે નહીં તેવું મારૂં સ્પષ્ટ માનવું છે. આવા ઐતિહાસિક નિર્ણય બદલ ગુજરાત ભાજપને અભિનંદન પાઠવ્યા હતાં.