Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરજામનગરવાસીઓ પ્રકાશપર્વ દિવાળી પહેલાં ચેતી જજો...!

જામનગરવાસીઓ પ્રકાશપર્વ દિવાળી પહેલાં ચેતી જજો…!

દેશભરમાં પ્રકાશપર્વ દિવાળીની ઉજવણી માટેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ પ્રકાશપર્વની ઉજવણી પૂર્વે દેશવાસીઓ જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ કપડાં, ઇલેકટ્રોનિક્સ આઇટમ, સોના-ચાંદીના દાગીના અને પ્રકાશપર્વમાં રોશની ફેલાવવા દીવડા, તોરણ, રંગો, ફટાકડા સહિતની ખરીદીઓ કરતાં હોય છે. આ તહેવારના સમયનો ગેરલાભ ઉઠાવી ઠગભગતો અવનવા કિમિયાઓ યોજી લોકો સાથે છેતરપિંડી આચરતા હોય છે. હાલના ડીજીટલ યુગમાં સાઇબર ક્રાઇમમાં અનેકગણો ઉછાળો આવ્યો છે. આ ક્રાઇમ દરરોજ નવા નવા આઇડિયાઓ સાથે આવતો હોય છે. માસ્ટરમાઈન્ડ મહિલાઓ અને વૃદ્ધોને ટાર્ગેટ બનાવી છેતરપિંડીઓ આચરે છે. જો કે, સરકાર અને પોલીસ વિભાગ દ્વારા આવા ગુનાઓથી બચવા માટે સતત જાગૃતતા અને સૂચનાઓ તથા યોગ્ય માર્ગદર્શન આપવામાં આવતું હોય છે. પરંતુ ક્રાઇમ માસ્ટર એક ડગલું આગળ હોય તેમ દરરોજ નવા નવા નુસ્ખાઓ દ્વારા લોકોને છેતરવામાં આવે છે.

- Advertisement -

દરમ્યાન દિવાળીના પર્વને ધ્યાનમાં રાખીને ચીટરગેંગો એક્ટિવ થઇ ગઇ છે. આ પર્વમાં જામનગર અને ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં મહિલાઓ અને બાળકો સાથેની ટોળકીઓ ઘરે ઘરે જઇ જુદી જુદી વસ્તુઓના વેચાણ માટે અથવા તો જૂની વસ્તુઓની ખરીદી કરવાના બહાને મહિલાઓ અને વૃદ્ધોને ટાર્ગેટ બનાવતા હોય છે. જેમાં આવી ટોળકીઓ દિવાળીના સમયમાં ઘરમાં પડેલી પડતર અને જૂની વસ્તુઓની ખરીદી કરવાના બહાને ઘરમાં કેટલાં સભ્યો છે? અને ઘરની પરિસ્થિતિ કેવી છે? તેની રેકી કરી લેતાં હોય છે. ત્યારબાદ ચોક્કસ સમય સાથે શિકારને ટાર્ગેટ બનાવી ગુનાને અંજામ આપતા હોય છે. અગાઉ પણ ઘરે ઘરે ઘરવખરીની ચીજવસ્તુઓ વેચવાના બહાને ઘરમાં એકલ દોકલ વ્યકિત હોય તો, ટાર્ગેટ બનાવી લૂંટ અથવા ચોરી કરી ગણતરીના સમયમાં જ નદારદ થઇ જતાં હોય છે. ત્યારે આ પ્રકાશપર્વમાં જામનગરવાસીઓએ વધુ સાવચેત રહેવાની જરૂર છે. કેમ કે, છેતરપિંડી અનેક પ્રકારે થતી હોય છે. ખાસ કરીને ઘરે આવેલી અજાણી વ્યક્તિને ઘરમાં પ્રવેશ ન આપવો અને બને ત્યાં સુધી બહારથી જ વાતચીત કરીને વધુ સમય મળવાનું ટાળવું જોઇએ. કેમ કે, ગુનાહિત માનસ સાથે આવેલી વ્યકિત તમારી પરિસ્થિતિ જોઇને તમને ટાર્ગેટ બનાવતા હોય છે.

હાલમાં જ જામનગર શહેરના સોહમનગર વિસ્તારમાં રહેતાં વૃદ્ધ દંપતિના ઘરે એક મહિલા આવી હતી અને આ મહિલા દ્વારા જૂના મોબાઇલ અથવા તો સ્ત્રીઓના ઉતરેલા વાળ ખરીદવાના બહાને વૃદ્ધા સાથે વાતચીત કરી હતી. પરંતુ સમયસૂચકતા વાપરી વૃદ્ધાએ જોઇએ તેવો પ્રતિસાદ આપ્યો ન હતો. મહિલાને બહારથી જ રવાના કરી દીધી હતી. પરંતુ તે પહેલાં મહિલાએ વૃદ્ધાને ભોળવીને જુના સમાનની ખરીદી કરવાના બહાને મકાનમાં પ્રવેશવા માટે અથાગ પ્રયત્નો કર્યા હતા. પરંતુ તેનો ગજ વાગ્યો ન હતો. ઉપરાંત આ રીતે એક પુરૂષ અને મહિલા અથવા તો મહિલા અને બાળકોની ટોળકીઓ પણ તહેવાર સમયે એક્ટિવ થઇ જતા હોય છે. જેથી શહેરીજનોએ આવી ચીટરગેંગથી એલર્ટ રહીને કોઇપણ અજાણી વ્યક્તિને વધુ પડતો રિસ્પોન્સ અથવા તો ઘરમાં પ્રવેશ ન આપવો જોઇએ.

- Advertisement -

જામનગર શહેરમાં અગાઉ પણ આવી જ ટોળકીઓ ઘરે ઘરે જઇ કોઇપણ બહાના હેઠળ ઘરના મહિલા વ્યક્તિ સાથે ખરીદ કે વેચાણ માટે વાતચીત કરવાનો સમય પસાર કરતા હોય છે. ત્યારે સાથે રહેલી અન્ય વ્યક્તિ મહિલાના ઘરમાં અથવા તો આજુબાજુના અન્ય રહેણાંકોમાં કયું મકાન બંધ છે? આ વિસ્તારમાં કેટલા લોકો રહે છે તેમની આર્થિક સ્થિતિ કેટલી મજબૂત છે તેની રેકી કરી લેતા હોય છે. ત્યારબાદ કોઇપણ એક મકાનને શિકાર બનાવી ગુનાને અંજામ આપતા હોય છે.

જામનગર પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની તથા ટીમ દ્વારા તહેવાર સમયે શહેરીજનોએ કેવા પ્રકારની સાવચેતી અને તકેદારી રાખવી જોઇએ તે સૂચનો અવારનવાર જાહેર કરવામાં આવતા હોય છે અને તહેવારમાં બહારગામ જતાં શહેરીજનોએ પણ કેવા પ્રકારની તકેદારી રાખવી જોઇએ તે અંગે માર્ગદર્શન આપવામાં આવે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular