જામનગર સહિત સમગ્ર હાલાર પંથકમાં ઠંડીમાં લોકોને રાહત મળી છે. છેલ્લા થોડા દિવસોથી કડકડતી ઠંડીનો સામનો કર્યા બાદ છેલ્લા પાંચ દિવસમાં જામનગર શહેરમાં લઘુત્તમ તાપમાનનો પારો 9.4 ડિગ્રી ઉંચકાતાં શહેરીજનોને કાતિલ ઠંડીમાંથી રાહત મળી હતી. જો કે, છેલ્લા બે થી ત્રણ દિવસથી ભેજનું પ્રમાણ વધતાં વ્હેલી સવારે ધુમ્મસ છવાતા વાહન ચાલકોને 10 ફૂટ દૂરનું નિહાળવુ પણ મુશ્કેલ બન્યું હતું.
જામનગરમાં ગત સપ્તાહ દરમિયાન કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું હતું. જેમાં સિઝનની સૌથી વધુ ઠંડી પણ નોંધાઇ હતી. જો કે, ત્યારબાદ છેલ્લા ત્રણ દિવસથી જનજીવને કાતિલ ઠંડીમાંથી રાહત મેળવી છે. ગત રવિવારે શહેરમાં લઘુત્તમ તાપમાન 9.1 ડિગ્રી નોંધાયું હતું. ત્યારબાદ પાંચ દિવસ લઘુત્તમ તાપમાનનો પારો 9.4 ડિગ્રી જેટલો ઉંચકાતાં આજે લઘુત્તમ તાપમાન 18.5 ડિગ્રીએ પહોંચતાં શહેરીજનોએ ઠંડીમાંથી રાહત મેળવી હતી અને જામનગરમાંથી ઠંડીની વિદાય થતી હોય તેવો અહેસાસ થયો હતો.
જામનગર કલેકટર કચેરીના કંટ્રોલ રૂમના જણાવ્યાનુસાર જામનગરમાં લઘુત્તમ તાપમાન 18.5 ડિગ્રી, મહત્તમ તાપમાન 28.5 ડિગ્રી, હવામાં ભેજનું પ્રમાણ 96 ટકા તથા પવનની ગતિ 7.5 કિ.મી. પ્રતિ કલાક નોંધાઇ હતી. તિવ્ર ઠંડીનો સામનો કર્યા બાદ લોકોએ રાહત મેળવી હતી અને મહત્તમ તાપમાન પણ 28 ડિગ્રી સુધી પહોંચી જતાં શહેરીજનોએ ટાઢોડુ ગાયબ થયું હોવાનો અહેસાસ કર્યો હતો.