જામનગર સહિત સૌરાષ્ટ્ર-ગુજરાતમાં હજુ સતાવાર રીતે ચોમાસાનું આગમન થયું નથી. પરંતુ ચોમાસા પહેલાં અચાનક આવી પડેલાં બિપરજોય વાવાઝોડાને કારણે નુકસાન સાથે ફાયદો પણ થયો છે. બિપરજોય વાવાઝોડાને કારણે છેલ્લા 3 દિવસમાં જામનગર જિલ્લામાં મોસમનો 28 ટકા જેટલો વરસાદ વરસી ગયો છે. બીજી રીતે જોઇએ તો હજુ ચોમાસું શરૂ થાય તે પહેલાં જ જિલ્લામાં સીઝનનો 28 ટકા વરસાદ થઇ ગયો છે જે ખેડૂતો માટે આશિર્વાદરૂપ સાબિત થઇ શકે છે. છેલ્લા 3 દિવસમાં જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં 34.55 ટકા, જામજોધપુર તાલુકામાં 31.68 ટકા જામનગરમાં 33.46 ટકા, જોડિયામાં 19.61 ટકા, ધ્રોલમાં 25.84 ટકા અને લાલપુરમાં રર.36 ટકા મોસમનો વરસાદ વરસી ચૂકયો છે. સમગ્ર જિલ્લામાં જોઇએ તો વર્ષ દરમ્યાન સરેરાશ 708 મી.મી. વરસાદ વરસે છે. જે સામે છેલ્લા 3 દિવસમાં બિપરજોયની મહેરબાનીથી સરેરાશ 199 મી.મી. વરસાદ વરસી ચૂકયો છે. આ વરસાદે ચોમાસા પહેલાંનો વરસાદ પણ માની શકાય તેમ છે.