જામનગર રાજપૂત સમાજમાં શનિવારે સાંજે દેશના પ્રથમ સીડીએસ જનરલ બિપિન રાવત સહિત સેનાના 13 અધિકારીઓના આકસ્મિક મૃત્યુ થતા તેમને રાજપૂત સમાજની તમામ સંસ્થાઓ દ્વારા શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી.
જામનગર ઉતરના ધારાસભ્ય અને રાજયકક્ષાના પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં આજે સાંજે રાજપૂત સમાજમાં જનરલ બિપિન રાવત સહિતના તમામ વીર શહિદોને શ્રધ્ધાંજલી આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં શહેરની સામાજીક, સ્વૈચ્છિક સંસ્થાઓના કાર્યક્રરો, હોદેદારો તેમજ શહેરના આગેવાનો અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતાં. આગેવાનોએ શહિદોની તસ્વીરો પાસે પુષ્પાંજલી અર્પણ કરી હતી. તેમજ શહિદોના માનમાં મીણબતી પ્રજ્વલિત કરી શહિદોના દિવ્ય આત્માને પ્રભુ ચિર શાંતી પ્રદાન કરે તેવી પ્રાર્થના કરી હતી. તેમજ તેમના પરિજનો પ્રત્યે સંવેદના વ્યકત કરી હતી. શ્રધ્ધાંજલીના આ કાર્યક્રમમાં શહેર અને જિલ્લાના પૂર્વ સૈનિકો પણ ઉપસ્થિત રહ્યા હતાં.