જામનગર સહિત સમગ્ર રાજ્યમાં કોરોના મહામારીનું સંક્રમણ વધતું જ જાય છે અને આ મહામારીને અટકાવવા માટે કોવિડ ગાઈડલાઈનનો ભંગ કરતા બેદરકાર લોકો સામે જામનગર રેલવે પોલીસ દ્વારા છેલ્લાં 10 દિવસ દરમિયાન 74 કેસ નોંધવામાં આવ્યા છે.
આ અંગેની વિગત મુજબ, જામનગર સહિત સમગ્ર રાજ્યમાં કોરોના મહામારી વકરતી જાય છે અને આ મહામારીને અટકાવવા માટે જામનગર સહિત સમગ્ર દેશમાં તંત્ર દ્વારા કડક નિયમોનું પાલન કરવા અવાર-નવાર અપીલ કરવામાં આવે છે તેમ છતાં બેદરકાર લોકો આ નિયમોનું ઉલ્લંઘન કરતા હોય છે જેના કારણે મહામારી અટકવાને બદલે વકરતી જાય છે. વેસ્ટર્ન રેલવે નાયબ પોલીસ મહાનિરીક્ષક અશ્ર્વિન ચૌહાણના તથા પોલીસ અધિક્ષક પરીક્ષીતા રાઠોડની સૂચનાથી રાજકોટ વેસ્ટર્ન રેલવે પોલીસ અધિકારી પી.પી.પિરોજીયાના માર્ગદર્શન હેઠળ જામનગર રેલવે પોલીસ સ્ટેશનના પીએસઆઈ સી.એસ. સોંદરવા તથા રાયટર અમિતભાઈ સાદીયા તથા ડી સ્ટાફના હરપાલસિંહ ચૌહાણ તથા લાલજીભાઈ ચુડાસમા તથા કાનજીભાઈ ભુવા સહિતના સ્ટાફે છેલ્લાં 10 દિવસ દરમિયાન જામનગર રેલવે પોલીસના કાર્યક્ષેત્રમાં જામનગર, હાપા, પોરબંદર, ખંભાળિયા, દ્વારકા અને ઓખા રેલવે સ્ટેશન પરથી 74 લોકો વિરૂધ્ધ કોવિડ ગાઈડલાઈનના ભંગનો ગુનો નોંધી અટક કર્યા હતાં. તેમજ માસ્ક ન પહેરતા 38 લોકો પાસેથી રૂા. 38000 નો દંડ વસૂલાત કરવામાં આવી હતી.