જામનગર શહેર નજીક હાપા માર્કેટીંગ યાર્ડ પાછળના જરોઘોડા વાડી વિસ્તારમાં શુક્રવારે સાંજના સમયે ઘેટા-બકરા ચરાવતા વૃદ્ધ ઉપર અજાણ્યા શખ્સોએ ઘાતક હથિયારો વડે માથામાં અને આંખ ઉપર જીવલેણ હુમલો કરી હત્યા નિપજાવ્યાના બનાવમાં પોલીસે ચાર શખ્સોને સમી ખાતે થી ઝડપી પાડ્યા છે.
હત્યાના બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના સામતપીર ગામમાં રહેતાં ખેતાભાઈ હઠાભાઈ ચાવડિયા (ઉ.વ.70) નામના વૃદ્ધ શુક્રવારે સાંજના સમયે હાપા માર્કેટીંગ યાર્ડની પાછળ આવેલા જરોઘોડા વાડી વિસ્તારમાં તેના ઘેટા-બકરા ચરાવતા હતાં તે દરમિયાન કોઇ અજાણ્યા શખ્સોએ આવીને વૃદ્ધ ઉપર પ્રાણઘાતક હથિયાર વડે માથાના ભાગે, જમણા કાને, જમણી આંખ ઉપર તથા દાઢીના ભાગે જીવલેણ ઘા ઝીંકતા વૃધ્ધ સ્થળ પર ઢળી પડયા હતાં. ત્યારબાદ વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં હતાં જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પુત્ર વાલાભાઈ ભરવાડ દ્વારા જાણ કરાતા પીઆઈ એમ. જે. જલુ તથા સ્ટાફ હોસ્પિટલે દોડી ગયો હતો.પોલીસે મૃતકના પુત્રના નિવેદનના આધારે અજાણ્યા શખ્સો વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધી સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.
જેમાં ચાર શખ્સો ઘેટાની લુંટ કરી જામનગર થી પાટણ જીલ્લાના સમી તાલુકા તરફ નાસી ગયા હોવાની મળેલ બાતમીને આધારે પાટણ એસ.ઓ.જી. ની મદદ થી એલ.સી.બી. પી.એસ.આઈ. કે.કે.ગોહિલ તથા એસ.સો.જી. ના વી.કે.ગઢવી. દ્વારા બુધો ગેલાભાઇ પરમાર સરાણીયા (રહે- વાંકાનેર,ચંદનપુરાભાટીયા સોસાયટી,નદીના કાંઠે જી-મોરબી), વિજય રધાભાઇ સિંધવ (રહે.- વાંકાનેર,ચંદનપુરાભાટીયા સોસાયટી, પતારીયુ, નદીના કાંઠે જી-મોરબી), અર્જુન ગેલાભાઇ પરમાર (રહે- વાંકાનેર,ચંદનપુરાભાટીયા સોસાયટી, પતારીયુ, નદીના કાંઠે જી-મોરબી), કિશન જીવાભાઇ પરમાર (રહે- વાંકાનેર,ચંદનપુરાભાટીયા સોસાયટી, પતારીયુ, નદીના કાંઠે જી-મોરબી) નામના ચાર શખ્સોને ઝડપી પાડ્યા હતા. અને તેમના કબ્જા માંથી રૂ 3 લાખ ની કિમતની પીકઅપ વાન, રૂ 20,000ની કિમતની પલ્સર મોટર સાયકલ તથા રૂ 15,000ની કિમતના 4 મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપીઓની પૂછપરછ દરમ્યાન બકરાની લુંટ કરતા સમયે મરણજનાર વૃદ્ધ એ પ્રતિકાર કરતા માથામાં લાકડીના ઘા તથા પથ્થરના ઘા મારી ઈજા કરી ખૂન કર્યું હોવાનું આરોપીઓએ જણાવ્યું હતું
આ કાર્યવાહી રાજકોટના પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહની સુચના તથા જામનગર પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક જામનગર ગ્રામ્ય વિભાગ જે.એસ.ચાવડા, પી.આઈ. એસ.એસ.નિનામા, પી.એસ.આઈ. કે.કે.ગોહીલ, આર.બી.ગોજીયા, બી.એમ.દેવમુરારી, તથા એલ.સી.બી. સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિહ સોઢા, હરદિપભાઇ ધાધલ, દિલીપભાઇ તલાવડીયા, ભરતભાઇ પટેલ, વનરાજભાઇ મકવાણા, ભગીરથસિંહ સરવૈયા, યશપાલસિંહ જાડેજા, ધાનાભાઇ મોરી, શરદભાઇ પરમાર, હીરેનભાઇ વરણવા, નિર્મળસિંહ એસ.જાડેજા, ખીમભાઇ ભોચીયા, અશોકભાઇ સોલંકી, યોગરાજસિંહ રાણા, બળવંતસિંહ પરમાર, લખમણભાઇ ભાટીયા, સુરેશભાઇ માલકીયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા દયારામ ત્રિવેદી પાટણ એસ.ઓ.જીપી.આઈ આર.કે. અમીન દ્વારા કરાઈ હતી.