જામનગર મહાનગરપાલિકાની સામાન્ય સભામાં બે નાયબ ઈજનેરોને કાર્યપાલક ઈજનેર તરીકે બઢતી આપવામાં આવી હતી. તેમજ ઓડીટ શાખાની જુદી જુદી જગ્યા માટેના તેમજ સેક્રેટરી શાખાની જુદી જુદી જગ્યાઓ માટેના રિક્રુટમેન્ટ રૂલ્સને મંજૂરી આપવામાં આવી હતી. આ ઉપરાંત વિપક્ષો દ્વારા કાલાવડ નાકા બહારનો બ્રિજ, આવાસ, કચરા, ભૂગર્ભ ગટર સહિતના મુદ્દે વિપક્ષ દ્વારા આકરી પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી. તેમજ વોર્ડ નંબર-12 ના કોર્પોરેટરો દ્વારા કાલાવડ નાકા બહારના બ્રિજે મુદ્દે મેળવેલ લોકમતના પત્રો પણ મેયરને સુપ્રત કર્યા હતા. આ બ્રિજ તાત્કાલિક બનાવવા માંગણી કરાઇ હતી. જેના જવાબમાં મેયર વિનોદ ખીમસુરીયાએ જણાવ્યું હતું કે, જુલાઈ માસમાં જ આ બ્રિજની મંજૂરી સહિતની પ્રક્રિયા થઈ ચૂકી છે અને ટેન્ડર બહાર પાડવાની પ્રક્રિયા હાલમાં ચાલુ છે. આથી વિપક્ષી સભ્યો લીંબડ જશ ના ખાટે.
જાનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા ગુરૂવારે સવારે કુંવરબાઈ ધર્મશાળા ખાતે મેયર વિનોદ ખીમસુરીયાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આ સામાન્ય સભામાં ઓડીટ શાખાની તથા સેક્રેટરી શાખાની જુદી-જુદી જગ્યાઓ માટેના રિક્રુટમેન્ટ રૂલ્સને બહાલી આપવામાં આવી હતી. આ ઉપરાંત જામનગર મહાનગરપાલિકાના બે નાયબ ઈજનેરો સિવિલ શાખાના હિતેશ પાઠક તથા એસ્ટેટ શાખાના એન આર દિક્ષીતને કાર્યપાલક ઈજનેર તરીકે બઢતી આપવા રખાસ્તને પણ મંજૂરી આપવામાં આવી હતી. આ પૂર્વે કોર્પોરેટર આશિષ જોશીના માતા, જેનબબેન ખફીના પિતા અને પૂર્વ નગરસેવક ડો. સાવલિયાના અવસાન અંગે શોક ઠરાવ પસાર કરી બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
સામાન્ય સભાના એજન્ડાઓ સર્વાનુમતે મંજૂર કરાયા બાદ પ્રશ્નોતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં વિપક્ષી કોર્પોરેટર આનંદ રાઠોડે ગાર્ડન શાખાની કામગીરી સદંતર નિષ્ફળ અને નબળી હોવાના આક્ષેપ સાથે તડાપીટ બોલાવી હતી અને ગાર્ડન શાખામાં અનુભવી અધિકારીઓને મુકવા માંગણી કરવામાં આવી હતી. હાલમાં ગાર્ડન શાખા નિષ્ક્રીય હોય અને અનુભવી હેડ ઓફ ડીપાર્ટમેન્ટની જરૂર હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત જીઆઈડીસીનું ગંદુ પાણી કેનાલમાં તથા વોર્ડ નંબર-16 માં આવત હોય. આ અંગે પણ કાર્યવાહીની માંગણી કરી હતી.
આ સામન્ય સભામાં વોર્ડ નંબર-12 ના કોર્પોરેટરો અસલમ ખીલજી, જેનબબેન ખફી તથા ફેમીદાબેન રીઝવાના દ્વારા કાલાવડ નાકા બહાર જર્જરિત બ્રિજ નવો બનાવવા અંગે મેળવેલ લોકમતો મેયર વિનોદ ખીમસુરીયાને સુપ્રત કર્યા હતાં. અને આ કામ તાત્કાલિક શરૂ કરાવવા માંગણી કરી હતી. અસલમ ખીલજીએ જણાવ્યું હતું કે આ અગાઉ અનેક વખત રજુઆતો કી છે. આ અંગે મેયરે જણાવ્યું હતું કે, આ બ્રિજ માટેની જુલાઇ માસમાં જ સૈધ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે અને હાલમાં ટેન્ડર પ્રક્રિયાની કામગીરી ચાલી રહી છે. વિપક્ષ દ્વારા માત્ર આ કામનો જશ ખાટવા માટે આ સમગ્ર કાર્યવાહી કરવામાં આવી રહી છે.
વિપક્ષી કોર્પોરેટર રચનાબેન નંદાણિયાએ આવાસોનો પ્રશ્ન ઉઠાવ્યો હતો અને આવાસોમાં લાઈટ-પાણી સહિતની સુવિધાઓ મુદ્દે પ્રશ્નો ઉઠાવ્યા હતાં અને જર્જરિત આવાસો તોડી પડાઈ તે વ્યાજબી છે પરંતુ તે પૂર્વે તેમાં રહેતાં લાભાર્થીઓને રહેવાની વૈકલ્પિક વ્યવસ્થા આપવા માંગણી કરવામાં આવી હતી. આ ઉપરાંત આવાસો ભાડે અપાતા હોવાનો મુદ્દે પણ રજૂ કરાયો હતો. આ દરમિયાન સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરાએ પણ આવાસના લાભાર્થીઓને લાલ બુક ધરાવરનારાઓને નિયમ મુજબ આવાસ મળશે તેમ જણાવ્યું હતું.
વિપક્ષી નેતા ધવલ નંદાએ કહ્યું હતું કે, સિકયોરિટીના ટેન્ડરમાં છ પાર્ટીના ટેન્ડર આવ્યા હતાં. જેમાંથી ચાર પાર્ટીના ભાવ સરખા હતાં. છતાં કેમ એક વ્યક્તિનું ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું ? અગાઉ આવા કિસ્સાઓ બન્યા છે ત્યારે કા વહેંચણી કરવામાં આવી હતી. તો આ વખતે સરખા ટેન્ડરમાં કામની વહેંચણી શું કામ નથી કરવામાં આવી ? તેમજ કોર્પોરેશન દ્વારા સિકયોરિટી ગાર્ડના મંજૂર થયેલ પગાર અંગે પણ તપાસની માંગણી કરવામાં આવી હતી.
વિપક્ષી કોર્પોરેટર જેનબબેન ખફીએ રસ્તામાં ખાડાઓ અંગે કોન્ટ્રાકટરને દંડ કરવા અથવા આ અંગે જવાબદાર ઈજનેરની જવાબદારી ફિકસ કરવા માંગણી કરી હતી. તેમજ ફુડશાખાી કામગીરી અને ફુડ શાખાના સેમ્પલો અંગે પણ પ્રશ્ર્નો ઉઠાવ્યા હતાં. ફુડ શાખા દ્વારા લેવાયેલા સેમ્પલો કઈ રીતે લેબ્રોરેટરી સુધી પહોંચાડવામાં આવે છે ? તે અંગે પ્રશ્ર્નો પૂછતા આ સેમ્પલો એસટીના પાર્સલ મારફત મોકલવામાં આવતા હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. જેથી મીઠાઈઓ તથા જયુસ જેવી દુધની બનાવટોના સેમ્પલો જો એસટી મારફતે મોકલવામાં આવે તો લેબોેરેટરી સુધી પહોંચી ત્યાં સુધીમા જ બગડી જવાની શકયતાનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ તકે કમિશનર દ્વારા આગામી છ માસમાં જામનગરમાં ફુડ લેબોરેટરી બનશે તેમ જણાવ્યું હતું.
રચનાબેન નંદાણિયાના મુખેથી નરેન્દ્ર મોદી જિંદાબાદના નારા : સત્તાપક્ષ સ્તબ્ધ
સામાન્ય સભા દરમિયાન વિપક્ષી કોર્પોરેટર રચનાબેન નંદાણિયાએ ચર્ચાની શરૂઆત કરતા પૂર્વે મોદીની જય બોલાવી હતી. જે અંગે કેટલાંક સભ્યોએ રમુજ કરી હતી કે ‘કયા મોદી સાહેબ?’ આ સમયે ખુદ કમિશનર ડી એન મોદી પણ હસી પડયા હતાં. આખરે નગરસેવિકાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જિંદાબાદનો નારો લગાવી ભાજપાના સભ્યોને પણ જિંદાબાદ અને જય ના નારા લગાવવા કહ્યું હતું. જેના પરિણામે સત્તાધિશો પણ સ્તબ્ધ થઈ ગયા હતાં.