જામનગર શહેરમાં રોડ, રસ્તાના રીપેરીંગ અને કામગીરી ચાલી રહી છે જેને લઇ આજે સતત ચોથા દિવસે મ્યુનિસીપલ કમિશ્નર દ્વારા આ કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેમજ હાલમાં ચાલી રહેલ લાખોટા તળાવ ભાગ-ર બ્યુટીફિકેશન પ્રોજેકટનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તથા જુની આરટીઓ કચેરી પાસેનો નવો માર્ગ પણ શ્રાવણી મેળા પૂર્વે તૈયાર કરી કાર્યરત કરવા આદેશ આપ્યો હતો.
જામનગર શહેરમાં હાલમાં રોડ, રસ્તાના રીપેરીંગ કામો ચાલી રહ્યા છે જેને જામનગર મ્યુ. કમિશ્નર ડી.એન. મોદી તેના ઉપર સતત નજર રાખી રહ્યા છે. આજે સતત ચોથા દિવસે જામનગર મહાનગરપાલિકાના કમિશ્નર સહિતના અધિકારીઓ દ્વારા આ કામોની મુલાકાત લેવામાં આવી હતી. જામનગર શહેરના સત્યમ કોલોની સહિતના વિસ્તારોમાં ચાલી રહેલ રોડના રીપેરીંગ કામોની તેમજ લાખોટા તળાવ ભાગ-2 ના બ્યુટીફિકેશન પ્રોજેકટનું પણ કમિશ્નર દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ તકે તેમણે અધિકારીઓ અને કોન્ટ્રાકટરને રણમલ તળાવ ભાગ-ર પ્રોજેકટ અંતર્ગત જરૂરી સુચનાઓ પણ આપી હતી.
આ તકે કમિશ્નર ડી.એન. મોદીએ પત્રકારોને જણાવ્યું હતું કે જામનગર શહેરમાં કેટલાક રોડ ઉપર કાંકરી ખસવાના પ્રોબ્લેમ સર્જાયા છે જે ડિફેકટ લાયાબીલીટી સમય અંતર્ગત હોય કોન્ટ્રાકટરના ખર્ચે રીપેરીંગ કરવામાં આવશે અને આ રીપેરીંગ કામગીરી આજથી શરૂ કરી દેવામાં આવી છે અને આગામી બે દિવસમાં કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે. આ ઉપરાંત તેમણે વધુમાં જણાવ્યું હતું કે, લાખોટા તળાવ પાસે જુની આરટીઓ કચેરી પાસે બનાવવામાં આવી રહેલ નવો માલ પણ શ્રાવણી મેળા પહેલા તૈયાર કરી કાર્યરત કરવા પણ આદેશ કરી દેવામાં આવ્યો છે. કમિશ્નરની આ મુલાકાત દરમિયાન નાયબ કમિશ્નર દેવેન્દ્રસિંહ ઝાલા, સીટી ઇજનેર ભાવેશભાઇ જાની, પ્રોજેકટ પ્લાનીંગ શાખાના અધિકારી રાજીવ જાની સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.


