પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં નાણાંમંત્રી દ્વારા રજૂ થયેલ બજેટ આત્મનિર્ભર ભારતની સંકલ્પ સિધ્ધિ કરનારું આગામી 25 વર્ષના ભારતના સુદ્રઢ વિકાસના રોડમેપ સમાન સંતુલીત બજેટ હોવાનું સાંસદસભ્ય પૂનમબેન માડમે કેન્દ્રીય બજેટ અંગેના પ્રતિભાવમાં જણાવ્યું હતું.
મંદી અને મહામારીના સમયગાળામાં કરવેરામાં કોઇપણ જાતના વધારો કર્યા વગર દેશના તમામ વર્ગને રાહત આપનારું આ સર્વગ્રાહી અંદાજપત્ર છે. કોરોના મહામારી દરમિયાનનું વર્ષ 2022-23નું અંદાજપત્ર રાષ્ટ્રના દરેક વર્ગ અને ક્ષેત્રની પ્રગતિ માટેનું નવુ સિમાચિહ્ન બની રહેવાની સાથે દેશને આર્થિક ક્ષેત્રે વૈશ્ર્વિક ટોચ ઉપર લઇ જનારું સર્વગ્રાહી બજેટ બની રહેશે.
કોરોના મહામારીના સમયગાળામાં કેન્દ્રીય સબળ અને દિર્ધદ્રષ્ટા નેતૃત્વમાં દેશ હિંમતભેર લડત આપી ફરી પ્રગતિ તરફ કૂચ કરે છે. ત્યારે આ અંદાજપત્ર દરેક વર્ગ અને દરેક ક્ષેત્રને પ્રગતિનું બળ આપનારું નવું જોમ આપનારું બની રહેશે. આત્મનિર્ભર ભારતનું ખરા અર્થમાં નિર્માણ થાય તે દિશામાં અનેકવિધ સુધારા-વધારાઓ આ બજેટમાં ખૂબ જ દુરંદેશીથી આવરી લેવાયા છે.
પ્રધાનમંત્રી ગતિ શક્તિ યોજના દેશની આર્થિક વૃધ્ધિ અને સર્વાંગી વિકાસ માટે પરિવર્તનશીલ અભિગમ છે. જેના માસ્ટર પ્લાનમાં 7 મહત્વના ક્ષેત્રો જેમાં રોડ-રસ્તા, રેલવે, એરપોર્ટ, બંદરો, માસ ટ્રાન્સપોર્ટ, જળમાર્ગો અને લોજીસ્ટીક ઇનફ્રાસ્ટ્રકચરને આવરી લેવાયેલ છે. આ 7 એન્જિનોથી ઉર્જા ટ્રાન્સમિશન, આઇટી કોમ્યુનિકેશન, પાણી અને ગટર વ્યવસ્થા અને સામાજિક માળખાને બળ મળશે. કેન્દ્ર અને રાજ્ય સરકાર ખાનગીક્ષેત્રના સંયુક્ત પ્રયાસોથી તમામ લોકો ખાસ કરીને યુવાનો માટે વિશાળ રોજગારી અને ઔદ્યોગિક સાહસ માટેની વિપુલ તકો પ્રાપ્ત થશે જેનાથી દેશનો સર્વાંગી વિકાસ થશે. આત્મનિર્ભર, ભારત માટેની બજેટમાં બહુવિધ જોગવાઇઓ દ્વારા મજબૂત માળખાકીય સુવિધાઓ વડે આત્મનિર્ભર ભારતના સર્વાંગી વિકાસનો પાયો બની રહેશે.
અર્થતંત્રની ગતિશીલતા સાથે સર્વાંગી પ્રગતિશીલતા માટે આ બજેટમાં અનેકવિધ આર્થિક જોગવાઇઓ કરવામાં આવે છે. જેમાં ખાસ કરીને આગામી 3 વર્ષમાં 400 નવી વંદે ભારત ટ્રેન દોડાવાશે, 60 કિ.મી. લાંબા 8 રોપ-વે બનાવવામાં આવશે, 5 મોટી નદીઓને એક બીજા સાથે જોડવામાં આવશે, વર્ષ 2022-23 દરમિયાન 80 લાખ નવા આવાસો માટે રૂા. 48 હજાર કરોડની ફાળવણી કરવામાં આવી છે, જેથી ઘરવિહોણા લોકોનું ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થશે, 100 ગતિશિલ કાર્ગો ટર્મિનલ નિર્માણ થશે, રૂા. 20 હજાર કરોડના ખર્ચે 25 હજાર કિ.મી.ના નેશનલ હાઇવે નિર્માણ થશે, સોલાર પાવર માટે રૂા. 19 હજાર 500 કરોડની ફાળવણી કરાશે, 2 લાખ નવી આંગણવાડીઓને અપગ્રેડ કરાશે, હર ઘર નલ સે જલ યોજના હેઠળ 3 કરોડ પરિવાર સુધી નલથી જળ પહોંચાડવા રૂા. 60 હજાર કરોડની ફાળવણી કરવામાં આવશે. નાના માધ્યમ ઉદ્યોગો માટે રૂા. 6 હજાર કરોડની ફાળવણી કરાઇ છે, મેક ઇન ઇન્ડીયા અંતર્ગત રૂા. 60 લાખ નોકરીઓ અને આત્મનિર્ભર ભારતમાંથી 16 લાખ રોજગારીની તકો ઉભી કરાશે, શિક્ષણ વ્યાપ વધારવા માટે ડીટીએચની સુવિધા અને પીએમ ઇ-વિદ્યા ચેનલ લાવી 200 નવી ચેનલો મારફતે સ્કૂલોમાં દરેક વર્ગમાં ટીવી લગાવવામાં આવશે અને કૃષિ યુનિ.નો વિસ્તાર વધારવામાં આવશે. ક્લિન એનર્જી ક્લાઇમેટ સરકારની પ્રાથમિકતા રહેશે, ઇલેકટ્રીકલ વાહનોને પ્રોત્સાહિત કરવા અને અનુકુળતા વધારવા માટે ચાર્જીંગ સ્ટેશનો બનાવવામાં આવશે. આરબીઆઇ વર્ષ 2022-23માં ડિજિટલ કરન્સી લાવશે જેનાથી દેશ મજબૂત બનશે, 75 ડિજિટલ બેંકીંગ યુનિટ ખોલાશે તથા દેશની પોસ્ટ ઓફિસોને કોર બેંકીંગ સુવિધાથી સજ્જ કરવામાં આવશે.
ખેતીપ્રધાન રાષ્ટ્રમાં ખેડૂતોની આવક બમણી કરવાના લક્ષ્યને સિધ્ધ કરવા માટે વિવિધ પ્રોત્સાહક જોગવાઇઓ લાગુ કરાશે જેમ કે, પ્રાકૃતિક ખેતી અને રસાયણમુક્ત ખેતીને પ્રોત્સાહન સાથે ખેડૂતોને ડિજિટલ હાઇટેક સર્વિસ મળશે, સાથોસાથ સરકાર ખેડૂતડ્રોનને પ્રોત્સાહન આપશે, ઝિરો બજેટ ખેતી અને પ્રાકૃતિક ખેતી સાથે મૂલ્યવર્ધન અને વ્યવસ્થાપન પર ભાર મૂકી, ફળ, શાકભાજીના ખેડૂતોને પેકેજ તથા તેલિબીયાની ખેતીને પ્રોત્સાહન પુરું પાડી ગ્રામિણક્ષેત્રના વિકાસ માટે દરેક ગામ સુધી ઇન્ટરનેટ પહોંચાડી પ-જી ટેકનોલોજી લાવવામાં આવશે. દરેક ગામમાં બ્રોડબેનડ સર્વિસ ઉભી કરાશે, આ રીતે ગ્રામિણ ક્ષેત્રના વિકાસ સાથે સમાંતર રીતે શહેરોના વિકાસ અને ગતિને વેગ આપવાની જોગવાઇઓ ઉપર ભાર મૂકાયેલ છે, ઉદ્યોગની કોર્પોરેટ સહિત ઔદ્યોગિક એકમો માટે સરળ અને ઓછો કર-કંપની એકટનું સરળીકરણએ અર્થતંત્રને વેગ આપનારું બની રહેશે. વેપાર-ઉદ્યોગને બાધારુપ મોટાભાગના કાયદાઓ રદ્ કરી સરળીકરણ કરવાની જોગવાઇ કરવામાં આવી છે.
કોર્પોરેટ ક્ષેત્રના લઘુત્તમ વૈકલ્પિક ટેક્સ 18.5 ટકાથી ઘટાડીને 15 ટકા કરાયો છે. તેમજ 10 કરોડ સુધીની આવક ધરાવતી સહકારી મંડળીઓને આવક ઉપર હાલનો 15 ટકા સરચાર્જ ઘટાડી 7 ટકા કરવામાં આવ્યો છે. જેનાથી સહકારી ક્ષેત્રને ખૂબ જ રાહત અને પ્રોત્સાહન મળશે.
બાળકોના સ્વાસ્થ્ય અને મહિલાઓના સશક્તિકરણના હેતુસર મિશન શક્તિ, મિશન વાત્સલ્ય, સક્ષમ આંગણવાડીઓ અને પોષણ 2.0 યોજનાઓ લાગુ થવાથી મહિલાઓ માટે અમૃતકાળ સમાન બની રહેશે.
વિજળી, પાણી, રેલવે સહિત દરેક પરિવહન સુવિધાઓ, સંશોધન, ઉત્પાદન, નિકાસ, કરમાળખા, ડિજિટલાઇઝેશન, ટેકનોલોજી, વિજ્ઞાન, સંશોધન, ટેકનોલોજી, રિસર્ચ, એનર્જી, આરોગ્ય, પર્યાવરણ, બેંકીંગ, વિમા સહીતના ક્ષેત્રમાં બારીકાઇથી અભ્યાસ કરી નાની-નાની અડચણો દૂર કરી સરળતા કેવી રીતે સ્થાપી શકાય તેવી જોગવાઇ કરવામાં આવી છે તે બાબતો તમામ વર્ગ અને તમામ ક્ષેત્રે માટે લાંબાગાળે શ્રેષ્ઠ પરિણામલક્ષી અને અત્યંત ઉપયોગી બની રહેશે.
એકંદર કેન્દ્ર સરકારનું વર્ષ 2022-23નું આ બજેટ રાષ્ટ્રનો દરેક આયામોથી વિકાસ થાય દરેક વર્ગને રાહત થાય અને વધુ સુવિધાઓ મળે તેમ જ માળખાકીય વિસ્તાર થાય અને ખેતી, વિજ્ઞાન, શિક્ષણ, રોજગારી, આરોગ્ય, ટેકનોલોજી અને વિવિધ સુવિધાઓના ક્ષેત્રમાં પણ ક્રાંતિકારી અને સુદ્રઢ ભવિષ્ય નિર્માણ થાય તે સુનિશ્ર્ચિત કરતું બજેટ છે. સમગ્રપણે રાષ્ટ્રના સર્વાંગી વિકાસને આવરી લેતુ અને ‘આત્મનિર્ભર ભારત’ના સ્વપ્નને સાકાર કરતું આ સંતુલિત બજેટ રજૂ કરવા બદલ સંસદસભ્ય પૂનમબેન માડમએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામનને અભિનંદન પાઠવેલ હતાં.