જામનગર માર્કેટિંગ યાર્ડમાં મગફળીની ભારે આવકના કારણે યાર્ડ છલકાઈ ગયું છે. રવિવારે એક જ દિવસમાં મગફળી ભરેલા કુલ 417 વાહનો યાર્ડમાં પહોંચ્યા હતા, જેના પરિણામે અંદાજિત 32,000 ગુણી મગફળીની આવક નોંધાઈ છે. આટલી મોટી આવકને કારણે યાર્ડમાં જગ્યા ન હોવાના કારણે તંત્ર દ્વારા નવી આવક પર હાલ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
આ અગાઉ પણ ગત સપ્તાહમાં યાર્ડમાં ભારે આવક નોંધાઈ હતી, ત્યારે આશરે 400 જેટલા વાહનો સાથે 30,000 ગુણી મગફળી આવી હતી. તે સમયે શનિવાર સુધી આવક પર રોક લગાવવામાં આવી હતી. ત્યારબાદ રવિવારે યાર્ડ ફરી ખુલતા જ એક સાથે ફરી મોટી સંખ્યામાં વાહનો પહોંચી જતા મગફળીની મબલખ આવક થઈ છે.
View this post on Instagram
યાર્ડમાં હાલ તમિલનાડુથી આવેલા વેપારીઓ મોટી સંખ્યામાં ખરીદી માટે હાજર છે. તેમના કારણે જામનગર ઉપરાંત અન્ય જિલ્લાઓમાંથી પણ ખેડૂતો મગફળી લઈને યાર્ડમાં આવી રહ્યા છે. હાલ મગફળીના ભાવ ખેડૂતોને પ્રતિ મણ રૂ. 1,100 થી રૂ. 1,800 સુધી મળી રહ્યા છે, જેના કારણે આવકનો ધસારો વધ્યો છે.
યાર્ડમાં મગફળીના જથ્થાના નિકાલ માટે પૂરતી જગ્યા ન હોવાથી, જ્યાં સુધી હાલની આવકનો સંપૂર્ણ નિકાલ ન થાય ત્યાં સુધી નવી મગફળીની આવક પર રોક યથાવત રાખવામાં આવશે. યાર્ડ તંત્રના અંદાજ મુજબ આ સમગ્ર જથ્થાનો નિકાલ થવામાં આશરે એક સપ્તાહનો સમય લાગી શકે છે.
આ દરમિયાન ખેડૂતોને નવી આવક માટે યાર્ડમાં લાવતાં પહેલાં તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.


