જામનગર શહેરના હરિયા કોલેજ રોડ પર આવેલા કૈલાશનગર વિસ્તારમાંથી બુધવારે ભરબપોરે પત્રકારનું ઇલેકટ્રીક સ્કુટર અજાણ્યો તસ્કર ચોરી કરી ગયો હતો. કમનસીબે સ્કૂટરની ડેકીમાં બેંકમાં ભરવા માટે રાખેલી રૂા. 2 લાખની રોકડ પણ ચોરી થયાની ફરિયાદના આધારે પોલીસે તપાસ આરંભી હતી.
ચોરીના બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં રહેતાં દિપકભાઈ મોહનભાઈ ઠુમ્મર નામના પત્રકારે બુધવારે બપોરના સમયે હરિયા રોડ પર કૈલાશનગર વિસ્તારમાં તેનું જીજે-10-ડીએમ-3340 નંબરનું ઈલેકટ્રીક સ્કૂટર પાર્ક કર્યુ હતું અને સ્કૂટરની ડેકીમાં બેંકમાં ભરવા માટે રૂા.2 લાખની રોકડ રકમ રાખી હતી. દરમિયાન બપોરના સમયે અજાણ્યો તસ્કર પત્રકારનું ઇલેકટ્રીક સ્કૂટર બે લાખની રોકડ સાથેનું ચોરી કરી ગયો હતો. આ ચોરી અંગે પત્રકારે તાત્કાલિક સીટી સી ડીવીઝનમાં જાણ કરી હતી. જેના આધારે પોલીસે બે લાખની રોકડ સાથેનું ઇલેકટ્રીક સ્કૂટરની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં. ચોરીના બનાવમાં ઘટનાના સીસીટીવી ફુટેજ મળી આવતા પોલીસે સીસીટીવી ફુટેજના આધારે તસ્કરનું પગેરૂ મેળવવા તપાસ આરંભી હતી.